Skip to main content

Geo Gujarat News

ભરૂચ: નવા વર્ષની શરૂઆત સબરસની ખરીદી સાથે! અંકલેશ્વર અને હાંસોટમાં વર્ષો જૂની પરંપરા જીવંત, ચપટી મીઠું ખરીદીને લોકોએ કર્યા નવા વર્ષના શુકન

દિવાળીના પર્વની પૂર્ણાહુતિ બાદ ગુજરાતી નૂતન વર્ષની વહેલી સવારે અંકલેશ્વર અને હાંસોટમાં વર્ષો જૂની પરંપરા આજે પણ ઉત્સાહભેર જીવંત જોવા મળી હતી. નવા વર્ષના પ્રથમ દિવસે લોકોએ ‘સબરસ’ એટલે કે મીઠાની ખરીદી કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી. વહેલી સવારથી જ રસ્તાઓ પર ‘સબરસ લો… સબરસ લો…’ના અવાજો ગુંજતા થયા હતા અને લોકોએ ચપટી મીઠું ખરીદીને વર્ષભર સુખ, સમૃદ્ધિ અને મીઠાશ જળવાઈ રહે તેવી શુભકામનાઓ સાથે શુકન કર્યા હતા. ગુજરાતી સંસ્કૃતિમાં નૂતન વર્ષના દિવસે સબરસ ખરીદવાની પરંપરા વિશેષ મહત્ત્વ ધરાવે છે. વર્ષોથી ચાલી આવતી આ માન્યતા મુજબ નવા વર્ષના પ્રથમ દિવસે મીઠું ખરીદવું શુભ માનવામાં આવે છે. મીઠું જીવન અને ભોજનનો અભિન્ન હિસ્સો છે. ભલે થાળીમાં છપ્પન પ્રકારની વાનગીઓ પીરસવામાં આવી હોય, પરંતુ ચપટી મીઠા વિના ભોજનનો સ્વાદ અધૂરો જ રહે છે. જીવનમાં મીઠાનું આ જ મહત્ત્વ દર્શાવતી આ પરંપરા આજે પણ નવી પેઢી દ્વારા ઉત્સાહપૂર્વક જાળવી રાખવામાં આવી રહી છે.લોકમાન્યતા મુજબ ભગવાન શ્રીકૃષ્ણે મીઠાના મહત્ત્વને સમજાવી તેને ‘સબરસ’ નામ આપ્યું હતું. આથી જ નૂતન વર્ષના દિવસે મીઠાની ખરીદીને શુભ શુકન સાથે જોડવામાં આવે છે. બદલાતા સમય અને આધુનિક જીવનશૈલી વચ્ચે પણ આવી સાંસ્કૃતિક પરંપરાઓનું જતન થવું એ ગુજરાતી સંસ્કૃતિની આગવી ઓળખ છે. આમ, અંકલેશ્વર અને હાંસોટમાં નવા વર્ષની સવાર સબરસની ખરીદી સાથે શરૂ થઈ હતી અને લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને મીઠાશ છવાય તેવી મંગલકામનાઓ વ્યક્ત કરી હતી.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!