Skip to main content

Geo Gujarat News

ભરૂચના નિકોરામાં દીપડાનો આતંક આખરે પાંજરે પુરાયો! વન વિભાગની કામગીરી સફળ, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચ તાલુકાના નિકોરા ગામમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવરે ગ્રામજનોની ઊંઘ હરામ કરી નાખી હતી. ગામ અને આસપાસના વિસ્તારોમાં દીપડાની હાજરીને પગલે લોકોમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને રાત્રિના સમયે ઘરની બહાર નીકળવું પણ ગ્રામજનો માટે જોખમભર્યું બન્યું હતું. દીપડાના સતત અવરજવરની જાણ વન વિભાગને કરવામાં આવતાં તંત્ર દ્વારા તેને પકડવા માટે ગામમાં પાંજરાં ગોઠવવામાં આવ્યાં હતાં. આખરે વન વિભાગની કામગીરી સફળ રહી અને દીપડો પાંજરે પુરાતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ભરૂચના ભોલાવ GIDC વિસ્તારમાં પણ દીપડાએ દેખા દેતાં ભારે ચકચાર મચી હતી. ઔદ્યોગિક વિસ્તારો અને માનવ વસાહતોની આસપાસ દીપડાની હાજરી સામે આવવી એ માત્ર સંયોગ ગણીને અવગણવા જેવી બાબત નથી. માનવ વસાહતોની નજીક વન્યજીવોની વધતી અવરજવર સામે વન વિભાગે પણ વધુ સતર્ક અને સક્રિય રહેવાની જરૂરિયાત ઊભી થઈ છે. નિકોરામાં દીપડો પાંજરે પુરાતાં હાલ પૂરતી ગ્રામજનોએ રાહત અનુભવી છે, પરંતુ આવા બનાવો ફરી ન બને તે માટે વન વિભાગે આસપાસના વિસ્તારોમાં પણ દેખરેખ વધારી વન્યજીવોની અવરજવર અંગે સાવચેતી રાખવી જરૂરી છે. સવાલ એ છે કે ભરૂચના અન્ય વિસ્તારોમાં પણ દીપડાની હાજરી સામે આવી રહી છે ત્યારે વન વિભાગ માત્ર ઘટના બન્યા બાદ જ સક્રિય થશે કે અગાઉથી જ સઘન તકેદારી રાખશે?

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!