ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી પુષ્પાંજલિ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આમોદ મામલતદાર કચેરી ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડી.કે. સ્વામીએ અમરેલીના સાંસદ ભરત સુતરીયાને આદિવાસી સમાજની પરંપરા અને સંસ્કૃતિના પ્રતીક સમાન તીર-કામઠું અર્પણ કરી સન્માનિત કર્યા હતા. જ્યારે આદિવાસી સમાજના આગેવાનોએ સાંસદ ભરત સુતરીયાને પરંપરાગત પોશાક અને કોટી પહેરાવી આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ સાથે તેમનું અભિવાદન કર્યું હતું. સભામાં ભગવાન બિરસા મુંડાના જીવનચરિત્ર, તેમના સંઘર્ષ અને આદિવાસી સમાજના હક, અધિકાર તથા અસ્મિતાના જતન માટે તેમણે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના માધ્યમથી સમાજમાં એકતા, જાગૃતિ, સ્વાભિમાન અને સામાજિક ઉત્થાનનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો લાભાર્થીઓ માટે રહેણાકની સુવિધા સાથે જોડાયેલો રહ્યો હતો. આદિવાસી સમાજ તેમજ રાઠોડ સમાજના લાભાર્થીઓને રહેણાક માટેના મકાનના પ્લોટની સનદોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત અંદાજે 200 જેટલા તૈયાર થયેલા મકાનોની સનદો લાભાર્થીઓને અર્પણ કરવામાં આવી હતી. સાથે જ વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત મળતા લાભોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીથી લાભાર્થી પરિવારોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય ડી.કે. સ્વામી અને અમરેલીના સાંસદ ભરત સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે આમોદના મામલતદાર ડૉ. મયુર વરિયા સહિત સમાજના આગેવાનો અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. આમોદમાં યોજાયેલી આ ઉજવણી માત્ર જન્મજયંતિની ઉજવણી પૂરતી સીમિત ન રહેતાં આદિવાસી સમાજના ગૌરવ, પરંપરા, અધિકાર અને આવાસ જેવી પાયાની જરૂરિયાતો પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સંદેશ આપતી બની હતી.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023