આમોદ કોર્ટ નજીક શનિવાર બપોરના સમયે બાઇક ચાલક દંપતી ગેરકાયદે બનેલા સ્પીડ બ્રેકરનો ભોગ બન્યું હતું.જેમાં બાઇક ઉપર સવાર દંપતી નીચે રોડ ઉપર ફંગોળાયું હતું અને પત્નીનું સારવાર દરમિયાન કરૂણ મોત થયું હતું. વાગરા તાલુકાના વિલાયત ગામના સિરાજભાઈ સૈયદ તેમજ પત્ની સુભાનબીબી સૈયદ શનિવારના રોજ બપોરના સમયે પાલેજથી આમોદ તરફ આવી રહ્યા હતા.
ત્યારે માર્ગ સુરક્ષાના નિયમોનો ભંગ કરીને આમોદ કોર્ટ નજીક બનાવેલા ગેરકાયદે સ્પીડ બ્રેકરને કારણે તેઓ બાઇક ઉપરથી નીચે ફંગોળાયા હતા.જેમાં પત્ની સુભાનબીબી સૈયદને વધુ ઇજાઓ થતા તેમને ૧૦૮ મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.
ત્યારે નિર્દોષ મહિલાનો જીવ લીધા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને માર્ગ સલામતીના ધારાધોરણો મુજબ સ્પીડ બ્રેકર સરખું કરવાને બદલે સફેદ પટ્ટા મારી માર્ગ અને મકાન વિભાગે સંતોષ માન્યો હતો.ત્યારે લોકોમાં ચર્ચા જાગી હતી કે જો અગાઉથી સ્પીડ બ્રેકર ઉપર પર યોગ્ય રીતે સફેદ પટ્ટા માર્યા હોત અને માર્ગ સલામતીનાં જરૂરી પગલાં લેવામાં આવ્યાં હોત તો આવી દુર્ઘટના ટાળી શકાઈ હોત.જોકે તંત્ર દ્વારા હજુ આમોદ શહેર તેમજ તાલુકાના અન્ય સ્પીડ બ્રેકરો અને જોખમી માર્ગો પાસે પણ માર્ગ સલામતીના પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023