ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમની ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી મોટી ચોરીને અંજામ આપ્યાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભાઈબીજના પવિત્ર તહેવારની ઉજવણી કરવા પટેલ પરિવાર અમદાવાદ ગયો હતો. પરિવારની ગેરહાજરીનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ બંધ મકાનમાં હાથફેરો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મકાન માલિક ભરતભાઈ પટેલના આક્ષેપ મુજબ ઘરમાંથી અંદાજે 21થી 22 તોલા સોનાના દાગીનાની ચોરી થઈ છે.
મળતી માહિતી મુજબ, સમની ગામના ભરતભાઈ પટેલ પરિવાર સાથે ભાઈબીજના તહેવારની ઉજવણી કરવા અમદાવાદ ગયા હતા. આ દરમિયાન મકાન બંધ હોવાની જાણ તસ્કરોને થઈ હોય તેમ ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું. પરિવાર પરત ફર્યા બાદ ચોરીની જાણ થતાં જ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ખાસ કરીને બાપદાદા તરફથી વારસામાં મળેલું સોનું અને પરિવારની અમૂલ્ય યાદો સમાન દાગીનાની ચોરી થતાં પટેલ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.
ઘટનાને પગલે મકાન માલિક ભરતભાઈ પટેલે આમોદ પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આમોદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને તપાસના ભાગરૂપે ભરૂચથી શિલ્પી ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી. ડોગ સ્ક્વોડની મદદથી ઘટનાસ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ આસપાસના લોકોની પૂછપરછ કરી અજાણ્યા તસ્કરો સુધી પહોંચવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
જોકે, આ સમગ્ર ઘટનામાં ગામમાં સીસીટીવી કેમેરાનો અભાવ પોલીસ તપાસ માટે મોટો પડકાર બની રહ્યો હોવાનું સામે આવ્યું છે. જો ગામના મુખ્ય રસ્તાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા હોત તો તસ્કરોની અવરજવર અંગે કોઈ મહત્ત્વની કડી મળી શકી હોત. હવે પોલીસ અન્ય સંભવિત પુરાવા અને સ્થાનિક પૂછપરછના આધારે તપાસ આગળ ધપાવી રહી છે. આ ઘટનાએ સમની ગામની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. તહેવારોના દિવસોમાં જ્યારે પરિવારો ઘર બંધ કરીને વતન કે અન્ય સ્થળોએ જતા હોય છે ત્યારે આવા બંધ મકાનો તસ્કરો માટે આસાન નિશાન બની જાય છે.
ગામમાં રાત્રિ પેટ્રોલિંગ, શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર અને સીસીટીવી જેવી સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત હવે વધુ પ્રબળ બની છે. સૌથી મોટો સવાલ એ છે કે પરિવારની ગેરહાજરીની જાણ તસ્કરોને કેવી રીતે થઈ? 21થી 22 તોલા સોનું ખરેખર ક્યાં ગયું? શું આ ચોરી પાછળ કોઈ જાણભેદુનો હાથ છે કે પછી તસ્કરોએ રેકી કરીને મકાનને નિશાન બનાવ્યું હતું? હવે જોવાનું એ રહ્યું કે આમોદ પોલીસ આ ચોરીનો ભેદ ઉકેલી કેટલા સમયમાં તસ્કરો સુધી પહોંચે છે અને પટેલ પરિવારની વારસાગત મિલકત સમાન ચોરાયેલું સોનું પરત મેળવવામાં સફળ થાય છે કે કેમ!
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023