ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉબેર વિસ્તારમાં નર્મદા નહેરમાં પડેલા ગાબડાએ તંત્રની કામગીરી અને નહેરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. નહેરમાં ગાબડું પડતાં હજારો લીટર પાણી આસપાસનાં ખેતરોમાં ફરી વળ્યું હતું. જેના કારણે ખેડૂતોના ડાંગર, કપાસ અને તુવેર સહિતના ઊભા પાકને નુકસાન પહોંચવાની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને જી.સી.બી. તથા ડમ્પર સહિતનાં સાધનોની મદદથી ગાબડું પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
અધિકારીઓ, કર્મચારીઓ અને કામગીરી સાથે સંકળાયેલા લોકોએ સતત 24 કલાકની જહેમત ઉઠાવી યુદ્ધના ધોરણે નહેરનું ગાબડું પૂર્યું હતું. અંતે ગાબડું બંધ થતાં ખેતરોમાં પાણીનો વધુ પ્રવાહ ફેલાતો અટક્યો હતો અને ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
ખેડૂતોની મુશ્કેલીને ધ્યાનમાં રાખી સ્થળ પરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા અને પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. નહેરનું ગાબડું પૂરવાની કામગીરી પૂર્ણ થતાં ખેડૂતો દ્વારા ધારાસભ્ય ડી.કે. સ્વામીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જોકે, અહીં સૌથી મોટો અને ગંભીર સવાલ એ છે કે નહેરનું ગાબડું પૂરવાથી શું ખેડૂતોની તમામ સમસ્યાઓનો અંત આવી ગયો? ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોના મહેનતભર્યા પાકને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે? ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી નુકસાનગ્રસ્ત ખેતરોનો નિષ્પક્ષ અને પારદર્શક સર્વે કરવામાં આવે તથા અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર ચૂકવવામાં આવે.ખેડૂત આખું વર્ષ ખેતરમાં પરસેવો પાડે છે, દેવું કરીને ખેતી કરે છે અને પાક તૈયાર થવાની આશા રાખે છે.
ત્યારે નહેરની બેદરકારી કે ટેકનિકલ ખામીના કારણે જો તેનો પાક પાણીમાં ગરકાવ થાય તો તેની સજા ખેડૂત શા માટે ભોગવે? હાલ નહેરનું ગાબડું પૂરાઈ જતાં તાત્કાલિક રાહત મળી છે, પરંતુ ખેડૂતોના ખેતરોમાં થયેલા નુકસાનનો હિસાબ બાકી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર માત્ર ગાબડું પૂરવાની કામગીરી સુધી જ સીમિત રહે છે કે પછી નુકસાનગ્રસ્ત ખેડૂતોને ન્યાય અપાવવા માટે પણ એટલી જ ઝડપ અને ગંભીરતા દાખવે છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023