ભરૂચ જિલ્લામાં નશાના કાળા કારોબાર સામે પાનોલી પોલીસે કડક કાર્યવાહી કરી સંજાલી ગામમાં ચાલતા ગાંજાના કથિત વેચાણનો પર્દાફાશ કર્યો છે. પોલીસની બાતમી આધારિત કાર્યવાહીમાં 2 કિલો 50 ગ્રામ ગાંજા સાથે બિહારીલાલ અયોધ્યાપ્રસાદ પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગાંજો અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1,12,500નો મુદ્દામાલ જપ્ત કરતાં નશાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પાનોલી પોલીસને બાતમી મળી હતી કે સંજાલી ગામે સકાટા ચોકડી પાસે આવેલી રઘુવીર રેસિડેન્સીના મકાન નંબર જી-5માં રહેતો બિહારીલાલ પટેલ ગાંજાનો જથ્થો રાખી સ્થાનિક લોકોને છૂટકમાં વેચાણ કરતો હતો.
આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે મકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને એક થેલામાંથી 2 કિલો 50 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેની અંદાજિત કિંમત રૂ.1,02,500 થાય છે. આ ઉપરાંત રૂ.10 હજારની કિંમતનો મોબાઇલ ફોન પણ પોલીસે કબજે કર્યો હતો. આમ, પોલીસે કુલ રૂ.1,12,500નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી બિહારીલાલ પટેલને ઝડપી પાડ્યો હતો.
આ મામલે પાનોલી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન મધ્યપ્રદેશના મઉગંજ જિલ્લાના ભૌતી મંદિર પાસે રહેતા ‘પાંડે’ નામના શખ્સની સંડોવણી સામે આવતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે સંજાલી જેવા ગામમાં રહેણાક મકાનમાંથી ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી પોલીસ સુધી પહોંચે ત્યાં સુધી આ નશાનો કારોબાર કેટલા સમયથી ચાલતો હતો? આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને તેની પાછળ અન્ય કેટલા લોકોની સાંઠગાંઠ છે? હવે પોલીસ તપાસમાં આ નશાના નેટવર્કનાં કેટલાં તાર ખુલશે અને વોન્ટેડ શખ્સ ક્યારે ઝડપાશે તેના પર સૌની નજર મંડાઈ છે. યુવાનોના ભવિષ્યને બરબાદ કરતા નશાના કારોબાર સામે પોલીસની આવી કડક કાર્યવાહી સતત ચાલુ રહે તે અત્યંત જરૂરી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com