વન વિભાગે બે પાંજરાં ગોઠવી હાથ ધર્યું સર્ચ ઓપરેશન: ભરૂચની GNFC ટાઉનશિપમાં છેલ્લા ચાર દિવસથી દીપડાની અવરજવરને પગલે રહીશોમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. ટાઉનશિપના રહેણાક વિસ્તારમાં દીપડો દેખાતાં લોકોમાં દહેશત ફેલાઈ હતી. જોકે, વન વિભાગની સતત દેખરેખ અને પકડવાની કામગીરીને અંતે દીપડો પાંજરે પુરાતાં તંત્રની સાથે રહીશોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
મળતી માહિતી મુજબ, GNFC ટાઉનશિપના સ્ટ્રીટ નંબર 24, 9 અને 14 નજીક દીપડો દેખાયો હોવાની ઘટનાઓ સામે આવી હતી. આશરે ચાર દિવસ અગાઉ ટાઉનશિપના એક સિક્યુરિટી ગાર્ડે દીપડાને નજરે જોયો હતો. આ અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવતાં વન વિભાગની ટીમ હરકતમાં આવી હતી.
રહીશોમાં રાહત, વન્યપ્રાણીઓની અવરજવર સામે ફરી સવાલો: દીપડાની અવરજવર પર નજર રાખવા અને તેને સુરક્ષિત રીતે પકડવા વન વિભાગ દ્વારા ટાઉનશિપના વિસ્તારમાં બે પાંજરાં ગોઠવવામાં આવ્યાં હતાં. દીપડાને પકડવા માટે સતત તકેદારી રાખવામાં આવી રહી હતી. આખરે દીપડો પાંજરામાં કેદ થતાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી ચિંતા અને ભયનો અંત આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભરૂચના ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં પણ દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી હતી. હવે GNFC ટાઉનશિપ જેવા રહેણાક વિસ્તારમાં દીપડાની હાજરી નોંધાતાં લોકોની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો હતો. જોકે, દીપડો પાંજરે પુરાતાં રહીશોએ રાહત અનુભવી છે. રહેણાક વિસ્તારોમાં વન્યપ્રાણીઓની વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા સતત તકેદારી અને દેખરેખ રાખવામાં આવે તે જરૂરી બન્યું છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com