આમોદ તાલુકામાં આવાસ યોજનાને લઈને શરૂ થયેલો વિવાદ હવે રસ્તા પર આવી પહોંચ્યો છે. 9 ગામોમાં 101 આવાસ મંજૂર થયા, પરંતુ માંગરોળ ગામના 16 આવાસ રદ કરવામાં આવતાં આદિવાસી સમાજમાં ભારે નારાજગી ફાટી નીકળી છે. લાભાર્થીઓના હક અને આવાસ રદ કરવા પાછળનાં કારણો અંગે જવાબ માંગવા મોટી સંખ્યામાં લોકો તાલુકા પંચાયત કચેરીએ ઉમટી પડ્યા હતા. રામધૂન, ઘેરાવ અને ધરણાં બાદ મામલો એટલો ગરમાયો કે પોલીસે કોંગ્રેસી આગેવાનો સહિત વિરોધ કરી રહેલા લોકોને અટકાયતમાં લીધા હતા.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવાસ યોજનાના લાભાર્થીઓની પસંદગી અને મંજૂરીને લઈને ઊભો થયેલો વિવાદ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. તાલુકાનાં 9 ગામોમાં કુલ 101 આવાસ મંજૂર કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે, જ્યારે બીજી તરફ માંગરોળ ગામના 16 આવાસ રદ કરવામાં આવતાં આદિવાસી સમાજના લાભાર્થીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. 16 આવાસ રદ કેમ કરાયા? કોના નિર્ણયથી કરાયા? અને લાભાર્થીઓને વિશ્વાસમાં લીધા વિના આ નિર્ણય લેવાયો છે કે કેમ? આવા સવાલો સાથે આદિવાસી સમાજના લોકો આજે મોટી સંખ્યામાં આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા.
TDOની ગેરહાજરીમાં ચેમ્બર બહાર રામધૂન, કચેરીનો ઘેરાવ, વ્યક્તિગત મુલાકાત નહીં, જાહેરમાં જવાબ આપો, કોંગ્રેસ આગેવાનોની માંગ: આવાસ રદ થવાના મામલે જવાબદાર અધિકારી પાસેથી સ્પષ્ટતા મેળવવા પહોંચેલા લાભાર્થીઓને તાલુકા વિકાસ અધિકારી (TDO) કચેરીમાં હાજર ન મળતાં લોકોમાં રોષ વધુ ભભૂકી ઊઠ્યો હતો. પરિણામે રોષે ભરાયેલા લોકોએ TDOની ચેમ્બર બહાર જ રામધૂન શરૂ કરી ઘેરાવ કર્યો હતો. વિરોધ કરી રહેલા લોકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી તાલુકા વિકાસ અધિકારી સ્થળ પર આવીને સમગ્ર મામલે ખુલ્લેઆમ સ્પષ્ટતા નહીં કરે ત્યાં સુધી તેઓ કચેરી પરથી હટશે નહીં. લાભાર્થીઓનો સવાલ માત્ર 16 આવાસ રદ થવાનો જ નહોતો, પરંતુ આવાસ યોજનામાં લાભાર્થીઓની પસંદગી અને રદ કરવાની પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ છે કે કેમ તે અંગે પણ જવાબ માગવામાં આવી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ મથકના PI સહિતનો પોલીસ કાફલો તાલુકા પંચાયત કચેરી ખાતે દોડી આવ્યો હતો.
પોલીસે મામલો શાંત પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. દરમિયાન તાલુકા વિકાસ અધિકારીએ આદિવાસી લાભાર્થીઓને વ્યક્તિગત રીતે મળવા માટે અનુરોધ કર્યો હતો. કેટલાક લાભાર્થીઓએ TDO સાથે મુલાકાત પણ કરી હતી. જોકે કોંગ્રેસના આગેવાનો વ્યક્તિગત મુલાકાતથી સંતુષ્ટ ન હોવાનું જણાવી સમગ્ર મામલે જાહેરમાં સ્પષ્ટતા કરવાની માંગ પર અડગ રહ્યા હતા. કોંગ્રેસી આગેવાનોનો આગ્રહ હતો કે જ્યારે આવાસ રદ કરવાનો મુદ્દો સમગ્ર ગામ અને આદિવાસી સમાજ સાથે જોડાયેલો છે, ત્યારે તેનો ખુલાસો પણ જાહેરમાં થવો જોઈએ. માત્ર વ્યક્તિગત ચર્ચાથી સમગ્ર વિવાદનો ઉકેલ આવી શકે નહીં તેવી ભૂમિકા સાથે આગેવાનો અને લાભાર્થીઓએ TDO કચેરીની બહાર જ ધરણાં શરૂ કરી દીધાં હતાં.
ધરણાં અને હોબાળા બાદ પોલીસની કાર્યવાહી, કોંગ્રેસી આગેવાનો સહિત લોકો અટકાયતમા : TDO કચેરીની બહાર લાંબા સમય સુધી વિરોધ, રામધૂન અને ધરણાંનો કાર્યક્રમ ચાલ્યો હતો. ઘટનાને પગલે તાલુકા પંચાયત કચેરી પરિસરમાં ભારે હોબાળો સર્જાયો હતો અને પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું. આખરે આમોદ પોલીસે અટકાયતી પગલાં લેતાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ (કાજી), કોંગ્રેસના અન્ય આગેવાનો તથા વિરોધ કરી રહેલા આદિવાસી સમાજના લોકોને અટકાયતમાં લીધા હતા. પોલીસની આ કાર્યવાહીથી આવાસ વિવાદે હવે વહીવટી મુદ્દાની સાથે રાજકીય ચર્ચાનું પણ સ્વરૂપ ધારણ કર્યું છે. સમગ્ર વિવાદમાં ધારાસભ્યના લેટરપેડ અંગે કરવામાં આવેલા આક્ષેપો પણ ચર્ચાનો વિષય બન્યા છે. જોકે આ આક્ષેપોની સત્યતા અંગે સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. આવા સંજોગોમાં સમગ્ર મામલે તટસ્થ તપાસ અને દસ્તાવેજી ખુલાસાની માંગ વધુ મહત્વની બની છે. માંગરોળ ગામના 16 આવાસ કયા ચોક્કસ કારણોસર રદ કરવામાં આવ્યા? આવાસ મંજૂરી અને રદ કરવાની પ્રક્રિયામાં કયા માપદંડો અપનાવવામાં આવ્યા? ધારાસભ્યના લેટરપેડ અંગેના આક્ષેપોમાં કેટલી સચ્ચાઈ છે? અને સૌથી મહત્ત્વનું કે આવાસની આશા રાખીને બેઠેલા આદિવાસી લાભાર્થીઓને ન્યાય ક્યારે મળશે? આવા અનેક સવાલો હાલ આમોદ તાલુકામાં ચર્ચાઈ રહ્યા છે.
હવે જવાબદારી કોની? લાભાર્થીઓને ન્યાય ક્યારે? આ પ્રસંગે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ (કાજી), આમોદ-જંબુસર યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, રઘુવીરસિંહ, માંગરોળ ગામના સરપંચ મણીલાલભાઈ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આવાસ યોજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પાકું મકાન આપવાના હેતુથી અમલમાં મૂકવામાં આવે છે. ત્યારે મંજૂર થયેલા આવાસો રદ થવા પાછળનાં કારણો સ્પષ્ટ હોવા અને લાભાર્થીઓને યોગ્ય જવાબ મળવો જરૂરી છે. હાલ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ છે કે 9 ગામોમાં 101 આવાસ મંજૂર થયા બાદ માંગરોળના 16 આવાસ જ કયા કારણોસર રદ થયા? જો કોઈ નિયમભંગ થયો હોય તો તેની વિગતો જાહેર થવી જોઈએ અને જો લાભાર્થીઓ સાથે અન્યાય થયો હોય તો યોગ્ય ન્યાય મળવો જોઈએ. આવાસના હકની માંગ હવે રામધૂન અને ધરણાં સુધી પહોંચી છે. પોલીસ અટકાયતથી વિરોધનો કાર્યક્રમ અટક્યો હશે, પરંતુ 16 આવાસ રદ થવાના મૂળ સવાલો હજુ યથાવત્ છે. હવે જોવાનું એ રહેશે કે તાલુકા વિકાસ અધિકારી અને વહીવટી તંત્ર આ સમગ્ર મામલે ક્યારે સત્તાવાર ખુલાસો કરે છે અને માંગરોળના 16 પરિવારોને ન્યાય મળે છે કે કેમ.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023