વાગરા: સાયખા GIDC સ્થિત એક્ટીમો કંપનીમાં તસ્કરીને અંજામ આપનાર ચાર ચોરને પોલીસે ઝબ્બે કરી તમામ મુદ્દામાલ રિકવર કર્યો
વાગરા તાલુકામાં આવેલ સાયખા GIDC સ્થિત એક્ટીમો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અજાણ્યા ચોર ઈસમો અંદાજીત રૂપિયા એક લાખ પંચોતેર હજાર જેટલાના કેબલની ચોરી કરી ફરાર થઇ જતા વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જોકે વાગરા પોલીસે ગણતરીના કલાકોમાંજ ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી ચોર ટોળકીને જેલ હવાલે કરી હતી.
બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર સાયખા GIDC સ્થિત એક્ટીમો પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ચોરીની ઘટના બની હતી. જેમાં રાત્રીના અંધારાનો લાભ લઇ તસ્કર ટોળકીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરો કંપનીના પાછળના ભાગેથી દીવાલ કૂદી કંપનીમાં પ્રવેશ કરી કંપનીના પ્લાન્ટ એરિયામાં ખુલ્લામાં મુકેલ કોપર કેબલના દ્રમમાંથી અંદાજીત કિંમત રૂપિયા ૧,૭૨,૦૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. ચોરી અંગે કંપનીના મેનેજર સચીનભાઈ ઉમેશભાઈ પટેલે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વાગરા પોલીસે ફરિયાદ નોંધી ચોરોનું પગેરું શોધવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ ટેક્નિકલ સર્વેલન્સની મદદથી તપાસ આદરી હતી. દરમિયાન ચોરીને અંજામ આપનાર તસ્કરો સાયખા GIDC માં હાજર હોવાની પોલીસને માહિતી સાંપડી હતી. પોલીસે તાબડતોડ માહિતીવાળી જગ્યાએ દોડી જઇ ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ નામે લલન મહાદેવ તિવારી હાલ રહે કાપોદ્રા, મૂળ રહે ઉત્તરપ્રદેશ તેમજ શ્યામ જગદીશ તાતી. હાલ રહે પાનોલી GIDC મૂળ રહે. બિહાર, તેમજ ઇન્દ્રજીત નરેશ ઠાકુર હાલ રહે. સંજાલી. મૂળ રહે. બિહારનાઓને ઝડપી લઈ યુક્તિ-પ્રયુક્તિથી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા એક્ટીમો કંપનીમાંથી ચોરેલ મુદ્દામાલ તેઓએ અંકલેશ્વરની નોબલ માર્કેટ કાપોદ્રા રોડ ખાતે આવેલ સાંઈનાથ ટ્રેડર્સના નામથી ચાલતી ભંગારની દુકાન ઉપર સુનિલકુમાર મીઠાલાલ બનાકિયા હાલ રહે. વાલિયા ચોકડી. મૂળ રહે. રાજસ્થાનનાઓ ને વેચ્યો હોવાની કબૂલાત કરી હતી. વાગરા પોલીસની એક ટીમ તાત્કાલિક અંકલેશ્વર ખાતે જવા રવાના થઈ હતી. ઉપરોક્ત આરોપીઓએ જણાવેલ સ્થળ ઉપરથી ચોરીનો મુદ્દામાલ વેચાણે લીધેલ સુનિલ કુમારની પણ વાગરા પોલીસે ધરપકડ કરી હતી. ચોરાયેલ તમામ મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો હતો. અને ચારેય આરોપીઓને સબજેલ ધકેલી દેવાયા હતા.