આમોદ નગરનાં મુખ્ય માર્ગ પર નગરપાલિકા દ્વારા છેલ્લા 10 દિવસથી ખોડેલ ખાડો પૂરવામાં નહિ આવતા આજરોજ રાત્રીના સમયે એક બાઈક ચાલક ખાડામાં ખાબક્યો હતો. જોકે સદ્દનસીબે મોટી દુઘર્ટના સર્જાતા અટકી હતી.
આમોદ નગરપાલિકાની કામગીરીમાં વિવાદ ન સર્જાય તો નવાઈ થાય.” આમોદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વધુ એક કામગીરીમાં બેદરકારી છતી થઇ છે. આમોદ-જંબુસર હાઇવે ઉપર બચ્ચો કા ઘરની સામે ડ્રેનેજની કામગીરી માટે નગરપાલિકા દ્વારા છેલ્લા દસ દિવસ ઉપરાંતથી ખાડો ખોદવામાં આવ્યો છે. અંદાજીત દસ ફૂટ ઊંડા ખાડાને પૂરવામાં નગરપાલિકાએ ધીરજ દાખવતા આજરોજ રાત્રીના સમયે એક બાઈક ચાલક આ ખાડામાં ખાબક્યો હતો. જોકે સદનસીબે બાઈક ચાલક બચી જતાં મોટી દુઘર્ટના ટળી હતી. અવારનવાર વિવાદોનું કારણ બનતી નગરપાલિકાની કામગીરીથી પ્રજાજનોને સુવિધા નહિ પરંતુ દુવિધા ઊભી થઈ રહી હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. લખીગામનો યુવાન પોતાની સાસરીમાં જતી વેળા અચાનક ખાડામાં પડતાં સ્થાનિકોએ તેને બચાવ્યો હતો.

જો કે નગરપાલિકાના અધૂરા કામથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે નજીકમાં જ સ્કૂલો તેમજ બચ્ચો કા ઘર અને મસ્જીદે રઝામાં પઢતા અને ભણતા બાળકો અહીથી પસાર થતાં હોય કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ ન બને તે પહેલાં અધૂરા કાર્યને પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. માજી નગરપાલિકા પ્રમુખ સાજીદ રાણાએ નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પાલિકાની વિકાસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા. વહેલી તકે કામગીરી કરી માનવસર્જિત દુર્ઘટના અટકાવવામાં આવે અને પશુ જાનવરોને પણ બચાવવામાં આવે તેવી તેઓએ માંગ કરી હતી.

રિપોર્ટ: યાસીન દિવાન : આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com