Geo Gujarat News

ઝઘડિયા: જીઆઇડીસીમાં છાસવારે થતી દુર્ઘટનાઓને પગલે કામદારોની સલામતી બાબતે સવાલો ઉભા થયા

ઝઘડિયા જીઆઇડીસીની વિવિધ કંપનીઓમાં અવારનવાર ગેસ લિકેજ,બ્લાસ્ટ તેમજ આગ લાગવી જેવી દુર્ઘટનાઓ બનતી હોવાથી જીઆઇડીસીમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે સવાલો ઉઠવા પામ્યા છે. ભુતકાળમાં નજીકના સમય સહિત ઘણીવાર સર્જાયેલ દુર્ઘટનાઓમાં કેટલાક કામદારોના મોત પણ થયા હતા. આ બાબતથી જીઆઇડીસીમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે કંપની સંચાલકો ઉણા ઉતર્યા હોવાનું સાબિત થઇ રહ્યું છે. દુર્ઘટનાઓની પરંપરાને ચાલુ રાખતી એક ઘટનામાં આજરોજ ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ ડીસીએમ કંપનીમાં આગે દેખા દેતા ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાયા હતા. જ્યારે આ અંગે જાણવા મળ્યા મુજબ ઝઘડિયા જીઆઇડીસીની ડીસીએમ કંપનીમાં કન્વેયર બેલ્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં કંપની સંકુલમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાને લઇને અગ્નિશામક દળોની મદદ લેવાઇ હતી. આ અંગે ઝઘડિયા પીઆઇ વાળાનો ટેલિફોનિક સંપર્ક કરતા આ ઘટનામાં કોઇ જાનહાની કે ઇજા થઇ નથી એમ જાણવા મળ્યું હતું.

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ આ કેમિકલ કંપનીમાં આગ લાગતા એક સમયે કંપનીમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ડીસીએમ કંપનીમાં લાગેલ આ આગને લઇને કંપનીની આસપાસ આવેલી અન્ય કંપનીઓમાં કામ કરતા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. વધુમાં મળતી વિગતો મુજબ અંકલેશ્વર અને ઝઘડિયા ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઝઘડિયા જીઆઇડીસીની ડીસીએમ કંપનીમાં પાવર ઉત્પાદન માટે લઈ જવાતા કોલસાના કન્વેયર બેલ્ટમાં કોઈ કારણસર આગ લાગતા આખો બેલ્ટ આગની ઝપટમાં આવી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આગ લાગવાની ઘટનામાં ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ઉલ્લેખનીય છેકે જીઆઇડીસીની વિવિધ કંપનીઓમાં સર્જાતી દુર્ઘટનાઓ પૈકી મોટાભાગની ઘટનાઓ પોલીસ દફતરે નંધાતી નથી,તેથી ઘણીબધી દુર્ઘટનાઓ પ્રકાસમાં નથી આવતી. જીઆઇડીસીમાં જીઆઇડીસી એસોસિયેશન તેમજ નોટિફાઇડ એરિયા ઓફિસ પણ કાર્યરત છે ઉપરાંત ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ આ બાબતે દરમિયાનગીરી કરી શકે ત્યારે જીઆઇડીસીમાં છાસવારે થતી દુર્ઘટનાઓ બનતી અટકાવવા કેમ અસરકારક પગલા નથી લેવાતા એ દુખદ છે.અને તેને લઇને તાલુકાની જનતા ચિંતિત બની છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *