ભરૂચ-જંબુસર માર્ગ ઉપર આવેલ આમોદ સ્થિત બચ્ચોકા ઘર સંચાલિત રાહત દરના દવાખાના ખાતે શંકરા આઈ હોસ્પિટલ, તથા બચ્ચોકા ઘર આમોદ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં શંકરા હોસ્પિટલના ડોકટરો સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઇ હતી. આયોજિત નેત્ર રોગ નિદાન શિબિરમાં અંદાજીત 66 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. જરૂરિયાતવાળા મોતિયાના 38 જેટલા દર્દીઓને આણંદ જિલ્લાનાં મોગર સ્થિત શંકરા આઈ હોસ્પિટલ ખાતે લઈ જઈ ઓપરેશન કરી આપવામાં આવશે. તેમજ દર્દીઓને હોસ્પિટલ ખાતે લઈ જવા સહિત ખાવા-પીવા તેમજ રહેવાની સગવડ પણ શંકરા આઈ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવશે. તેમ જણાવવામાં આવ્યું હતું.

આમોદના બચ્ચોકા ઘર સંચાલિત રાહત દરના દવાખાના ખાતે દર મહિનાના ત્રીજા રવિવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તેમજ સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો પણ આયોજિત થતા હોય છે. આયોજિત કૅમ્પમાં આવેલ દર્દીઓ સહિત સેવાઓ પ્રદાન કરનાર તબીબી ટીમને ચા, નાસ્તો, જમવાનું સહિતની વ્યવસ્થા બશિર રાણા સહિત બચ્ચોકા ઘરના ટ્રસ્ટીઓ દ્વારા કરાઈ હતી. આમોદ-જંબુસર માર્ગ પર આવેલી બચ્ચોકા ઘર સંચાલિત રાહત દરનું દવાખાનું આમોદ, પુરસા, આછોદ, મછાસરા, માંગરોલ, તણછા સરભાન દાદાપોર અડવાલા વાડ્યા સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com