Geo Gujarat News

વાગરા: ડ્રાઈવરને બનાવાયો બલિનો બકરો , તેના વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

વાગરા તાલુકામાં આવેલ જ્યુબિલીયન્ટ કંપનીના કામદારોને લઇ જતા પિક અપ ટેમ્પોનાં અકસ્માતમાં ડ્રાઈવર વિરૂદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. જ્યારે ગાડી માલિક, કોન્ટ્રાકટર અને કંપની સંચાલકોને સ્પેશિયલ છૂટ આપવામાં આવી હોવાની લોકમુખે ચર્ચાથી ચકચાર ફેલાવા પામી હતી. જોકે મોડે મોડેથી જાણવા મળ્યા મુજબ તપાસમાં પાટીલ બ્રધર્સ નામના લેબર કોન્ટ્રાકટના જવાબદાર વ્યક્તિનું નામ પણ ખુલવા પામ્યું હોવાની વાત જાણવા મળી છે. વધુ તપાસમાં વાહન માલિક સહિત જ્યુબિલિયન્ટ કંપનીના જવાબદાર કર્મીઓ પણ આરોપીઓ બને તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગતરોજ 20 એપ્રિલના રોજ વહેલી સવારના સમયે કલરટેક્સ કંપની નજીકની ચોકડી પાસે એક પિક-અપ ટેમ્પો જેનો આર.ટી.ઓ રજિસ્ટ્રેશન નંબર GJ-18-AT-0940 પલ્ટી ખાવાથી અકસ્માતની ઘટના બની હતી. જેમાં 3 કામદારો મૃત્યુ પામ્યા હતા. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર મામલે ટેમ્પોમાં સવાર ઇજાગ્રસ્તની ફરિયાદના આધારે ડ્રાઈવર વિરૂદ્ધ અનેક કલમો હેઠળ કલમો હેઠળ ગુનો નોંધાતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ ફળિયાદમાં વાહન માલિક, કોન્ટ્રાકટર તેમજ કંપની સંચાલકમાંથી એકપણ વ્યક્તિનું ફળિયાદમાં નામ નહિ નોંધાતા માત્ર ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો નોંધાતા રૂપિયાના બળે બળવાન લોકો બાકાત રહી ગયા હોવાનો ગણગણાટ પંથકમાં શરૂ થઈ ગયો છે. તો બીજી તરફ ટેમ્પો દ્રાઇવરે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ગાડીમાં બ્રેક ન લાગતી હોવાની જાણ તેણે વાહન માલિકને અગાઉથીજ કરી હતી. પરંતુ વાહન માલિકે તે રીપેર કરાવવાની તસ્દી લીધી ન હતી. દ્રાઇવરના નિવેદન પ્રમાણે જોવા જઈએ તો સમય પર બ્રેકનું રીપેરીંગ કામ કરાવવામાં આવ્યું હોત તો કદાચ આ ગોઝારી ઘટના ન સર્જાઈ હોત તેવી પણ લોક ચર્ચાઓ વહેતી થઈ છે. જો કે, ઘટનાની વધુ તપાસમાં કોન્ટ્રાકટર વિરૂદ્ધ પણ ગુનો નોંધાયાની પોલીસ સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ હતી. પોલીસ તપાસમાં વાહન માલિક સહિત જ્યુબિલિયન્ટ કંપનીના જવાબદાર કર્મીઓના નામ પણ પોલીસ ચોપડે ચઢે તેવી પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે. બેફામ બનેલા કોન્ટ્રાકટરો તેમજ લાપરવાહ અને બેજવાબદાર જ્યુબિલિયન્ટ કંપનીના કર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં મોટી હોનારત થતી અટકાવી શકાય તેવી માંગ પંથકના જાગૃત નાગરિકોમાંથી બુલંદ થવા પામી છે.

આવી ગોઝારી ઘટનાઓમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. તેમજ જીવ જોખમાય રહ્યા છે. તેવામાં અહીં ઉલ્લેખવું જરૂરી છે કે, જીઆઈડીસી વિસ્તારમાં રૂપિયા કમાવવાની ભાગદોડમાં કાયદેસર અને ગેરકાયદેસર વિરુદ્ધનો તફાવત સમજીને પણ નાસમજ બનેલાઓએ એકવાર તો વિચારવું સૂચક છે. કંપનીમાં ઓછા ભાવે ટેન્ડર ભરી કોન્ટ્રાકટર કોન્ટ્રાક્ટ મેળવે છે. અને પૈસા બચાવવા સસ્તી મુસાફરીનો કામદારો માટે બંદોબસ્ત કરે છે. જાનવરોની જેમ એક જ ગાડીમાં મુસાફરો સમાય જાય તે માટે માલ-વાહક વાહનોનો ઉપયોગ કરે છે. આવા વગર ધડ-માથાના ધંધા માટે કેટલાક લોકોએ વાહનો પણ વસાવી લીધા છે. વર્ષોથી આ ધંધા ચાલે છે. અને આ બધું જોઈને પણ સરકારી તંત્ર કોન્ટ્રાકટરો અને માલિકો આંધળા હોવાનો અભિનય કરી રહ્યા છે. આ કોઈ પ્રથમ વાર નથી કે ના અંતિમ વાર..! જો હજુ પણ આવા સસ્તા ધંધા કરી બમણા રૂપિયા કમાવવાની લાલસા ધરાવતા વાહન માલિકો, કંપની કોન્ટ્રાક્ટરો અને કંપની ધારકો વિરૂદ્ધ પગલાં લેવામાં નહીં આવે તો આગળ પણ નિર્દોષ લોકોના જીવ લેવાશે તેનો અંદાજો લગાવી શકાય છે. જોકે હાલ તો ગતરોજ સર્જાયેલ ઘટના સંદર્ભે વાગરા પોલીસે પિક-અપ દ્રાઇવર સિદ્દીક શેખ તેમજ પાટીલ બ્રધર્સ નામના લેબર કોન્ટ્રાકટના જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં કંપનીના મોટા માથાઓના નામ પણ સપાટી ઉપર આવે તેવી પ્રબળ શક્યતો સેવાઇ રહી છે.

નઈમ દિવાન, વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *