વાગરા-દહેજ માર્ગ ઉપર જી.ઇ.બી નજીક આવેલ ક્લાસિક શેફ્ટી સોલ્યુશન નામક યુનિટની ગંભીર બેદરકારીને પગલે યુવકનું મોત નિપજ્યું હતું.
વીજ કરંટ લાગવાથી ઇસમનું મોત નિપજ્યું
બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા સ્થિત ક્લાસિક સેફ્ટી સોલ્યુશન નામની યુનીટમાં મજુરીકામ અર્થે ગયેલ યુવકનું કરંટ લાગવાથી કરુણ મોત નિપજવા પામ્યું હતું. વાગરાની જી.ઇ.બી ચોકડીથી આશરે ૨૦૦ મીટર દૂર પખાજણ જવાના માર્ગ ઉપર ક્લાસિક સેફ્ટી સોલ્યુશન નામનો યુનિટ આવેલો છે. જ્યાં આજરોજ બપોરના અરસામાં કંપનીનું મટીરીયલ ભરીને એક આઈશર ટેમ્પો આવ્યો હતો.

જેને ખાલી કરવા માટે વાગરાની નવીનગરી ખાતે રહી મજુરી કામ કરી પેટિયું રડી ખાતા મુકેશ ઉર્ફે મીઠા ભાઈ રાઠોડ જેઓ મજુરી કામ કરવા માટે ત્યાં ગયા હતા. ટેમ્પા ચાલકે યુનિટ બહાર રીવર્સમાં ટેમ્પો ગોઠવતા મુકેશભાઈ તેમજ તેમના સાથીદારો ટેમ્પા ઉપર ચઢતાં ઉપરથી પસાર થતી જી.ઇ.બી ની હાઈટેન્શન લાઈન સાથે મુકેશ ભાઈનો હાથ અડી જતા મુકેશભાઈનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

વાગરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી
ઘટનાની જાણ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મુખ્ય માર્ગ ઉપરજ ઘટના બનતા ટ્રાફિકનું પણ નિર્માણ થયું હતું. બનાવ અંગે વાગરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાબડતોબ બનાવવાળી જગ્યાએ આવી પહોંચી મૃતદેહને ટેમ્પોમાંથી નીચે ઉતારી 108 મારફતે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો.

પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી આરંભી
ઉલ્લેખનીય છે, કે વાગરા-દહેજ રોડની બિલકુલ બાજુમાં આ યુનિટ આવેલો છે. અને આ યુનિટમાં પતરાના શેડ મારેલા છે. જેની બિલકુલ પાસેથી જીઈબી ની હાઈટેન્શન લાઈન પણ પસાર થાય છે. તો આમાં બેદરકારી કોની.? જીઈબી ની,કે પછી યુનિટ સંચાલકની.? કારણ કે બેદરકારીના કારણેજ આજે પાંચ-પચ્ચીસ રૂપિયાની આશા રાખી મજુરી કરવા આવેલ નિર્દોષ યુવકને જીવ ગુમાવવાનો વાળો આવ્યો હતો. હાલ મૃતકને વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પી.એમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બનાવ સંદર્ભે વાગરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com