બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ શહેરના પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં રહેતા 54 વર્ષીય ઐયુબ અભરમ ખોખર જેઓ દૂધ લેવા માટે જઈ રહ્યા હતા. તે વેળાએ આમોદ-જંબુસરને જોડતો હાઇવે નંબર 64 જે માર્ગ ઓળંગતી વખતે પૂરપાટ ઝડપે આવી રહેલ પિક-અપ ટેમ્પોના ચાલકે રોડ ક્રોસ કરી રહેલ ઐયુબ ભાઈને ટક્કર મારી હતી. ઘટનામાં રાહદારી ઐયુબ ભાઈનું ગંભીર ઇજાઓના પગલે સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતાંજ આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહને PM અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે, કે અગાઉ પણ આ માર્ગ ઉપર અનેકો અકસ્માતની ઘટનાઓ બની ચૂકી છે. જેમાં કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. આમોદ-જંબુસરને જોડતા માર્ગ ઉપર વારંવાર સર્જાતી અકસ્માતોની ઘટનાઓ રોકવા અહીંયા સ્પીડબ્રેકર મુકવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

કાલ સુધીમાં નિરાકરણ લાવવામાં નહીં આવે તો અમે ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવીશું : સાજીદ રાણા – માજી પ્રમુખ આમોદ નગરપાલિકા

આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણાએ જણાવ્યું હતું કે, આ રોડ જ્યારથી બન્યો છે. ત્યારથીજ અકસ્માતોની વણજાર જોવા મળી રહી છે. ભૂતકાળમાં પણ અનેકો લોકો મોતને ભેટ્યા છે. અહીંયા બસ ડેપો, પેટ્રોલપંપ, કબ્રસ્તાન તેમજ રહેણાંક વિસ્તાર આવેલો છે. તેમ છતાં અહીંયા સ્પીડ બ્રેકર મુકવામાં આવેલ નથી. અગાઉ પણ આ મુદ્દે PWD તેમજ તંત્ર લને પણ સ્પીડબ્રેકર મુકવા અંગે રજુઆત કરી છે. તેમ છતાંય અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. સ્પીડબ્રેકરના અભાવેજ આજે ફરી એક પરિવારને મોભી ગુમાવવાનો વારો આવ્યો છે. જો આવતી કાલ સુધીમાં કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી હતી.

કોન્ટ્રાકટરની બેદરકારીને કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે, : બાબુ ભાઈ બરફવાળા – આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ

આ અંગે આમોદ શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુભાઈ બરફવાળાએ જણાવ્યું હતું કે નેશનલ હાઇવે નંબર 64 આ માર્ગ પહેલાથીજ સતત વિવાદોમાં રહ્યો છે. પહેલા બિસ્માર માર્ગને કારણે અકસ્માતોની ઘટના સર્જાતી હતી. અનેકો રજૂઆતો બાદ રોડનું કામ શરૂ થયું, એમાં પણ ભ્રષ્ટાચારની બૂમો ઉઠી હતી. જોકે અંતે રોડ તૈયાર થયા બાદ પણ સ્પીડબ્રેકરના અભાવે અકસ્માતોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. સ્પીડબ્રેકર મુકવા અંગે કોન્ટ્રાકટને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. જોકે જેતે સમયે કોન્ટ્રાકટ દ્વારા સ્પીડબ્રેકર મુકવા અંગે બાહેંધરી આપી હતી. પરંતુ આજદિન સુધી કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે આજે ફરી એક નિર્દોષ વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com