Geo Gujarat News

આમોદ: નગરપાલીકાના ભંગારની હરાજીના વિવાદને મામલે પાલિકાના વિપક્ષી સદસ્ય આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે અટકાયત કરી

પોલીસની ધીમી ગતિની તપાસ બાબતે અપક્ષ સદસ્યએ પાંચ દિવસની મુદત આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.

આમોદ નગરપાલીકાના ભંગારની હરાજીનો મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવી આમોદ મામલતદારને આવેદનપત્ર આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.જેથી વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.ત્યારે આજ રોજ પાંચ દિવસ પૂરા થતાં આમોદ પાલિકાના અપક્ષ સદસ્ય મહેન્દ્રભાઈ દેસાઈ આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે તેઓની અટકાયત કરી દીધી હતી.જોકે પોલીસે કોઈ આકસ્મિક ઘટના ના બને તે માટે તકેદારીના ભાગ રૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધી હતો.તેમજ ફાયર ફાઇટર સાથે તેમજ એબ્યુલન્સનો સ્ટાફ પણ ગોઠવી દીધો હતો. પોલીસે આત્મવિલોપન કરતા નગર સેવકની અટકાયત કરતા ભરૂચ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, જંબુસર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, કોંગ્રેસી આગેવાન પ્રભુદાસ મકવાણા ,ઉસ્માન મિડી, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત પાલિકાના ચૂંટાયેલા અપક્ષના નગરસેવકો સાથે રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં આમોદ પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા.અને જંબુસર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરી સાથે બેઠક કરી હતી.જેમાં આમોદ પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી.તેમજ આમોદ પોલીસની ધીમી ગતિની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી કાર્યવાહી કરવા માંગ કરી હતી. ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર દિલ્હી થી લઈને આમોદ સુધી ખુલ્લો આવી ગયો છે.હરાજીના દોઢ લાખ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાચવવા માટે આ પૈસા રાખવામાં આવે છે. અને અમારા કાર્યકરે આત્મવિલોપનની ચીમકી આપતા દોઢ લાખ રૂપિયા રોકડા એક નિવૃત્ત એકાઉન્ટન્ટને બોલાવીને જમા કરવામાં આવે છે.પાલિકાએ રોકડા રૂપિયા કેવી રીતે સ્વીકાર્યા આ ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ.જો બાબતે યોગ્ય તપાસ નહી કરવામાં આવે તો અમે કોર્ટમાં જઈશું.

ફોજદારી કાર્યવાહીથી બચવા આમોદ પાલિકાના ભંગારની હરાજીના ગોબાચારી કરેલા બાકીના રૂપિયા ૧.૫૦ લાખ નાટકીય રીતે એજન્સીએ પોતે જમા કરાવ્યા.

આમોદ નગરપાલીકા દ્વારા પાલિકાના ભંગારના સામાનની હરાજી કરવામાં આવી હતી.જેમાં પાલિકાના ભંગારની આવકમાંથી ૫.૫૦ લાખની આવક પ્રાપ્ત થઈ હતી.પરંતુ એજન્સી દ્વારા ૧૧ મે ૨૦૨૩ ના રોજ ૩.૬૦ લાખ જ ઓનલાઇન પાલિકાના ખાતામાં જમા કરાવ્યા હતા.જ્યારે બાકીની રકમ એ.એમ. કોલસાવાલા એજન્સીએ તત્કાલીન પાલિકા પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષને રોકડા ૧.૫૦ લાખ આપ્યા હોવાનો મુખ્ય અધિકારીને લેખિત ખુલાસો કર્યો હતો.તેમજ ૧૮ મી જૂન ૨૦૨૪ ના રોજ એ.એમ.કોલસાવાલા એજન્સી એ પોતે મુખ્ય અધિકારીને સંબોધી લેખિત આપ્યું હતું કે નગરપાલીકા દ્વારા હરાજીનો અમોને વર્ક ઓર્ડર આપેલો હતો.અને તેનું વજન કાંટાની રસીદ પ્રમાણે અમોએ નગરપાલિકાને પેમેન્ટ કરેલ છે.પણ ઉપરોક્ત વિષય અન્વયે હાલમાં નગરપાલિકામાં અમારા નામે એ.એમ.કોલસાવાલા નામે રોકડ પેમેન્ટ કોઈ ઈસમ આવે તે પેમેન્ટ સ્વીકાર કરવાનું નથી અને જો તેમ થશે તો તેની જવાબદારી નગરપાલિકાની રહેશે જેની નોંધ લેશો ત્યાર બાદ ગત રોજ સાંજે નાટકીય રીતે એ.એમ.કોલસાવાલાએ જાતે નગરપાલિકામાં આવીને રોકડ ૧.૫૦ લાખ જમા કરાવ્યા હતા.આમ છેલ્લા એક વર્ષથી પાલિકાના ભંગારના રૂપિયાથી તાગડધિન્ના કરતા એજન્સીએ ગત રોજ સાંજના સમયે પાલિકામાં રૂબરૂ આવીને ૧.૫૦ લાખ રોકડા જમા કરાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા સદસ્યએ આત્મવિલોપન કરવાની ચીમકી આપતા પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઊભા થયા હતા.અને પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી કરવાનું પ્રેશર આવતા જે જે પોલીસ ધીમી ગતિથી કામગીરી કરતી હતી તે અચાનક એકશન મોડમાં આવી ગઈ હતી અને રોકેટ ગતિએ કાર્યવાહી શરૂ કરતાં ફોજદારી કાર્યવાહીથી બચવા માટે એજન્સીએ પોતે રોકડા રૂપિયા ૧.૫૦ લાખ જમા કરાવ્યા હતા.

આમોદ પાલિકા કચેરીમાં ચાલતો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો.?

આમોદ પાલિકા કચેરીમાં ગત રોજ નિવૃત્ત એકાઉન્ટન્ટના હસ્તે ૧.૫૦ લાખ જેવી માતબર રકમ રોકડ સ્વીકારવામાં આવી હતી.જ્યારે સરકારના નિયમ મુજબ ૫૦ હજારથી વધુની રકમ રોકડ સ્વીકારી શકાતી નથી ત્યારે રોકડ રકમ કેમ સ્વીકારવામાં આવી તે પણ નગરમાં ચર્ચાનો પ્રશ્ન બન્યો હતો. ભંગારની હરાજી બાબતે પાલિકા અપક્ષ સદસ્યએ આત્મવિલોપન કરવાની ચીમકી આપતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ તેની નોંધ લીધી ફેસબુક ઉપર મેસેજ મૂક્યો હતો.ત્યારે આમોદ પાલિકાના અપક્ષ સદસ્યોએ હવે ભાજપના ભ્રષ્ટાચારની લડત આક્રમક બનાવી દીધી છે.અને પાલિકામાં ચાલતા આવા ભ્રષ્ટાચાર સામે હાઇકોર્ટમાં અપીલ કરવાની તજવીજ હાથ ધરી છે.

યાસીન દિવાન, આમોદ 

આમોદ: નગરપાલીકાના ભંગારની હરાજીના વિવાદમાં પાલિકાના વિપક્ષી સદસ્યએ મામલતદારને આવેદનપત્ર આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી.

 

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *