Geo Gujarat News

વાગરા: ગંધાર ફૂડ કંપનીમાં કામ કરતાં 13 બાળશ્રમિકોને મુક્ત કરાયાં, સંચાલક વિરુદ્ધ પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

  • કંપનીમાં કામ કરતાં 13 બાળશ્રમિકોને મુક્ત કરાયાં..
  • સાયખા, વિલાયત તેમજ દહેજ GIDC માં પણ આકસ્મિક ચેકીંગ જરૂરી..

વાગરા તાલુકાના મુલેર સ્થિત ગંધાર ફૂડ પ્રોડકટ્સ નામના ઉદ્યોગમાં બાળ મજૂર પાસે કામ કરાવનાર સંચાલક સામે ગુનો નોંધાયો છે. ટીમે કુલ 13 બાળશ્રમિકોને મુક્ત કરાવી કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઈ બાળ મજૂરી કરાવતા સંચાલકોમા રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે.

6 મહિલા તેમજ 7 પુરૂષની ઉમર 18 વર્ષથી નીચે હોવાનું ધ્યાનમાં આવ્યું હતું..

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ભરૂચના શ્રમ અધિકારી તરીકે ફરજ બજાવતાં રવિન શૈલેષ બ્રહ્મભટ્ટ પાસે વાગરા તાલુકાના ચાંચવેલ ખાતે યોજાયેલાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત આવી હતી કે, વાગરા તાલુકાના મુલેર ગામે આવેલી ગંધાર ફૂડ પ્રોડક્ટ્સ નામની કંપનીમાં નાની વયના લોકો પાસે કામ કરાવામાં આવી રહ્યું છે. જેના પગલે તેમણે ભરૂચ ચિલ્ડ્રન હોમના મયુર મોરે, જિલ્લા બાળ સુરક્ષા એકમના સોશિયલ વર્કર અંકિતા ઝેડ વસાવા સહિત પોલીસકર્મીઓ સાથેની રેડિંગ પાર્ટી સાથે ગંધાર ફૂડ પ્રોડક્ટ્સ કંપનીમાં ચેંકિંગ કાર્ય હાથ ધર્યું હતું.

જેમાં 6 મહિલા તેમજ 7 પુરૂષની ઉમર 18 વર્ષથી નીચે હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેમાં પણ બે સગીરા 11-12 વર્ષની હોવાનું જણાયું હતું. જેના પગલે ટીમે તમામ 6 બાળાઓને મુક્ત કરાવી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સને તેમજ 7 સગીર તરૂણોને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કુકરવાડાને સોંપવામાં આવ્યાં હતાં. જ્યારે કંપનીના સંચાલક અને માલિક જૈનુલઆબેદિન ઇબ્રાહિમ પટેલ વિરૂદ્ધ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વાગરા તાલુકાની સાયખા, વિલાયત તેમજ દહેજ GIDC ની કંપનીઓમાં પણ આકસ્મિક ચેકીંગ જરૂરી..

નોંધનીય છે, કે વાગરા તાલુકામાં કુલ 3 જીઆઇડીસી આવેલી છે. જેમાં અનેકો ઉદ્યોગો ધમધમી રહ્યા છે. અને ઉદ્યોગોમાં સેંકડો શ્રમિકો કામ કરી રહ્યા છે. રૂપિયાની લાલચમાં બાળકોને પણ મજૂરી કરાવાતી હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી છે. બાળ શ્રમ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો અનેક ઉદ્યોગોની બાળ મજૂરીના ગુનામાં સંડોવણી બહાર આવી શકે તેમ છે. રોકડી કરવાની લાલચમાં સગીર વયના બાળકો પણ મજૂરી અર્થે જતાં રહેતા હોય છે. જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય તો આ બાળકોની જવાબદારી કોણ લેશે.? વહીવટી તંત્ર તેમજ બાળ શ્રમિક વિરોધી વિભાગે યોગ્ય કાર્યવાહી કરી આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી બાળ મજૂરી અટકાવી શકાય..


નઈમ દિવાન,વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *