Geo Gujarat News

વાગરા : ફેઈથ કેલેવરી સ્કૂલમાં બાળકોએ પર્યાવરણ બચાવો અભિયાન છેડ્યું, શાળા પ્રાંગણમાં કરાયું વૃક્ષારોપણ

વાગરા ખાતે આવેલ ફેઇથ કેલેવરી અંગ્રેજી માધ્યમ શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકોએ શાળાના પટાંગણમાં વૃક્ષોનું વાવેતર કરી તેના જતન અંગેના સંકલ્પ લીધા હતા.

એકતરફ વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર વર્તાઈ રહી છે. ત્યારે પર્યાવરણ ક્ષેત્રે લોકોમાં જાગરૂકતા આવે અને વધુમાં વધુ વૃક્ષોની વાવણી કરવામાં આવે તે હેતુ ફેઇથ કેલેવારી શાળામાં આચાર્યના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વાગરાની ફેઈથ કેલેવરી સ્કૂલ ખાતે “ગ્રીન ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રીન એટલે લીલા કલરનો પ્રભાવ આપણા મન અને બુદ્ધિ પર અલગ-અલગ પ્રકારે પડે છે. ફેંગશૂઈ અનુસાર લીલા રંગને બુદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. તેનો આરોગ્ય પર સારો પ્રભાવ પડે છે. આ રંગ સકારાત્મક ઊર્જા આપનાર હોય છે, તેમજ તણાવ દૂર કરીને ડિપ્રેશનથી બચાવવા મદદ કરે છે. અને સૌથી મહત્વનું આપણા તિરંગામાં સૌથી નીચેનો રંગ પણ ગ્રીન છે. જે સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. આવા મોહક કલર, ગ્રીન ડેની વાગરાની ફેઈથ કેલેવરી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

સખત ગરમીનો અનુભવ કરીને પ્રકૃતિ પ્રત્યે પ્રેમભાવ ઉપજાવવા લોકોએ વૃક્ષારોપણ તરફ વળવું જોઈએ. પ્રકૃતિને નષ્ટ કરવામાં આમાદા માનવ પ્રજાતિને ભાન આવે તે જરૂરી છે. પ્રાકૃતિક જંગલોને નષ્ટ કરી કોંક્રિટ ના જંગલો ઊભા કરી કરોડો અબજો રૂપિયા કમાણી કરનારાઓની આંખો ખોલવાનું કાર્ય બાળકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. રૂપિયા કમાવવા જ્યાં વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે ત્યારે શાળાએ જતાં બાળકો વૃક્ષોની વાવણી કરી અનોખો સંદેશ પાઠવી રહ્યા છે. ફેઇથ કેલેવરી સ્કૂલ ના બાળકોએ હાથમાં ટ્રી પ્લાંટેશન, ગ્રો ગ્રીન ગ્રો હેલ્થી, ગ્રો મોર ટ્રીસ, પ્લાન્ટ અ ટ્રી પ્લાન્ટ અ ન્યૂ લાઇફ ના સંદેશાઓ સાથે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. શાળાના આચાર્ય હીનાબેન ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળા શાળાના શિક્ષકો તેમજ બાળકોએ વિશેષ ઉપસ્થિતિ દર્શાવી હતી.

આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે. જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષોતો ધરતીની શોભા પણ છે.

વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે. આપણા દેશમાં થોડા વર્ષો પૂર્વે ગાઢ જંગલો આવેલાં હતાં. એ જંગલોમાં અનેક હિંસક પશુઓ વસવાટ કરતાં. જંગલોથી પશુઓનું અને પશુઓથી જંગલોનું રક્ષણ થતું. વાતાવરણમાં ઠંડક રહેતી. હવા શુદ્ધ રહેતી. પુષ્કળ વરસાદને કારણે વૃક્ષોમાં વધારો થતો. પરંતુ વસ્તીનો સતત વધારો થતાં રહેઠાણ માટેનાં મકાનો, નિશાળો, કારખાનાં, સડકો, રેલમાર્ગ વગેરે બનાવવા માટે જમીનની જરૂરિયાત ઊભી થઈ. વળી બળતણ માટે અને ઘરનું રાચરચીલું બનાવવા માટે પણ લાકડાની જરૂર પડી. આથી આડેધડ જંગલો કપાતાં ગયાં. પરિણામે જંગલોનો વિસ્તાર ઘટતો ગયો. માનવીએ પોતાની વધતી જરૂરિયાતને કારણે આડેધડ માનવવસાહતો સ્થાપી. આને કારણે ખેતીલાયક જમીન પણ ઓછી થવા લાગી. બીજી બાજુ જેટલાં વૃક્ષો કપાયાં, તેટલા પ્રમાણમાં નવાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં નહિ. પરિણામે વસ્પતિ ઘટતાં વરસાદનું પ્રમાણ સતત ઘટતું રહ્યું અને ભૂગર્ભજળનું સ્તર સતત નીચું ઊતરતું ગયું છે.

રહી રહીને હવે આપણને વૃક્ષોનું મહત્વ સમજાવા લાગ્યું છે અને વસ્તીવિસ્ફોટ પર અંકુશ રાખવાનો પણ ખ્યાલ આવ્યો છે. આથી આપણે કેટલાંક સૂત્રો પ્રચલિત કર્યા છે : “વૃક્ષો વાવો, જીવન બચાવો’, ‘વૃક્ષ જતન, આબાદ વતન’, ‘એક બાળ, એક ઝાડ’, વગેરે. આ બધાં સૂત્રોમાં વૃક્ષોનો મહિમા સૂચવાયો છે. 5મી જૂન “વિશ્વ પર્યાવરણદિન” તરીકે ઊજવાય છે. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયોની ચર્ચા-વિચારણા થાય છે. તેમાં વૃક્ષારોપણને ખૂબજ મહત્વ આપવામાં આવે છે.

આપણા દેશમાં વનમહોત્સવ પણ ઊજવાય છે. તે નિમિત્તે ખુલ્લી જગ્યામાં, રસ્તાની બંને બાજુએ, નિશાળોમાં અને પડતર જમીનમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેનું જતના કરવાનો સંકલ્પ પણ કરવામાં આવે છે. આવા કાર્યક્રમોમાં બાળકોને મોટા પ્રમાણમાં જોડી દરેક બાળકને એક-એક વૃક્ષ વાવવાનું પ્રોત્સાહન આપવું તે ખૂબ જ ઉપયોગી નીવડી શકે તેમ છે. આથી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી સૃષ્ટિસૌંદર્યમાં વધારો કરી શકાશે. વળી હવા, પાણી અને અવાજના વધતા જતા પ્રદૂષણના જટિલ પ્રશ્નનું નિરાકરણ પણ કરી શકાશે. દરેક બાળકને પ્રોત્સાહન આપી આપણે વૃક્ષોની સંખ્યા વધારતા જઈએ તો તે સમગ્ર માનવજાતિ માટે સૌથી ઉમદા કાર્ય બની રહેશે. આમ થવાથી પ્રદૂષણનું પ્રમાણ ઘટાડી વાતાવરણ સુધારી શકાશે. આપણે નિશ્ચય કરીએ કે, દરેક બાળક દર વર્ષે, એક-એક વૃક્ષ તો ઉગાડે જ. આ માટે એમને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપીએ. આથી બાળકોને વૃક્ષો તરફ આપોઆપ પ્રેમ અને આકર્ષણ થશે. વાતાવરણ લીલુંછમ થશે અને પ્રદૂષણ ઘટશે. જેવા ઉમદા વિચારથી વાગરાની ફેઈથ કેલેવરી સ્કૂલમાં પણ વૃક્ષારોપણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય સહિત શિક્ષકગણ ધ્વારા બાળકો મારફતે વૃક્ષોનું વાવેતર કરાવી તેનું મહત્ત્વ સમજાવી તેના જતન માટે પણ સંકલ્પ લેવડાવામાં આવ્યા હતા. આ વેળાએ શાળાના આચાર્ય હિનાબેન સહિત સમગ્ર શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો.

નઈમ દિવાન, વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *