કામદારોના જીવ જોખમમાં, શું જવાબદારી નક્કી થશે? : ભરૂચ જિલ્લાની વિલાયત GIDCમાં આવેલી જાણીતી કંપની ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝમાં તાજેતરમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. આ ભયાનક દુર્ઘટનામાં ત્રણ નિર્દોષ કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા છતાં કંપની મેનેજમેન્ટ દ્વારા સત્ય છુપાવવા અને જવાબદારીથી છટકવા માટે કરવામાં આવેલા શરમજનક પ્રયાસોનો પર્દાફાશ થયો છે.
ટ્રકનું ટાયર ફાટ્યું તેવો હાસ્યાસ્પદ દાવો અને વાસ્તવિકતા : બ્લાસ્ટનો પ્રચંડ અવાજ આસપાસના ગામોમાં પણ સંભળાયો હતો. પરંતુ કંપનીના એચ.આર મેનેજર મનીષ સિટુતએ એક હાસ્યાસ્પદ દાવો કર્યો કે કોઈ બ્લાસ્ટ થયો જ નથી. તેમના મતે માત્ર એક ટ્રકનું ટાયર ફાટ્યું હતું. અને તેના અવાજથી ડરીને એક કર્મચારી નીચે પડી ગયો હતો. આટલા મોટા અવાજને ટ્રકના ટાયર સાથે સરખાવવો એ માત્ર જુઠ્ઠાણું જ નહીં પરંતુ કામદારોના જીવ પ્રત્યે કંપનીની બેદરકારી અને અસંવેદનશીલતા દર્શાવે છે.
પોલીસ રિપોર્ટથી સત્ય સામે આવ્યું : કંપનીના આ જુઠ્ઠાણાં પરથી પડદો ત્યારે ઉઠ્યો જ્યારે ઇજાગ્રસ્ત કામદારોએ વાગરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર જાહેરાત આપી હતી. પોલીસ ચોપડે સ્પષ્ટપણે નોંધાયું છે કે આ દુર્ઘટના ક્લોર આલ્કલિક પ્લાન્ટમાં હાઈડ્રોક્લોરિક એસિડ (HCL) ટેન્ક ફાટવાથી થઈ હતી. આ રિપોર્ટ કંપનીના ટાયર ફાટ્યાના દાવાને સીધો પડકારે છે. અને સાબિત કરે છે કે, કંપની સક્રિય રીતે ગુનાને છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી.
ફેક્ટરી ઇન્સ્પેક્ટરના અહેવાલથી ગૂંચવણનો ઉમેરો? : આ મામલો વધુ ગૂંચવાયો જ્યારે ભરૂચના ફેક્ટરી ઇન્સ્પેક્ટરે પ્રાથમિક તપાસમાં કંપનીના દાવાને આંશિક રીતે સમર્થન આપ્યું હોય તેવી લોક ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. તેમણે કહ્યું કે કામદારો ટ્રકના ટાયર ફાટવાના અવાજથી ડરીને નીચે પડી ગયા હતા. જોકે તેમણે એમ પણ સ્વીકાર્યું કે એક કામદારને HCL વાયુ શ્વાસમાં જવાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. અને વધુ તપાસ ચાલુ છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટરનું આ નિવેદન પોલીસ રિપોર્ટથી અલગ પડતાં શંકા વધુ ગાઢ બની છે. જોકે ટેન્કની હાલત જોતા તો કોઈ મોટો વિસ્ફોટ જ થયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
નિર્દોષના જીવ જોખમમાં, જવાબદારી કોની? : આ ઘટના માત્ર એક અકસ્માત નથી. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝમાં સલામતીને લઈને આ પહેલો કિસ્સો નથી. વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ દર્શાવે છે કે કંપનીમાં સુરક્ષા વ્યવસ્થા પૂરતી નથી અને કામદારો સતત મોતને ભેટવાનું જોખમ ઉઠાવી રહ્યા છે. સવાલ એ છે કે, આવા ઉદ્યોગો સામે કડક પગલાં ક્યારે લેવાશે? શું માત્ર નોટિસ આપવાથી કામદારોના જીવન સુરક્ષિત થઈ જશે? સ્થાનિક તંત્રએ તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારી નક્કી કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ પણ કંપની પોતાના નફા માટે નિર્દોષના જીવ સાથે ચેડાં ન કરી શકે.
વિવિધ રિપોર્ટ્સથી ગૂંચવણ, સત્ય બહાર આવશે? કે આ ગૂંચવાડો સમેટી લેવાશે? : ફેક્ટરી ઇન્સ્પેક્ટરની તપાસ, પોલીસ ચોપડે નોંધાયેલ જાહેરાત અને એચ.આર મેનેજરનો દાવો આ બધામાં વિરોધાભાસ છે. જે દર્શાવે છે કે આ ગંભીર ઘટનામાં ગૂંચવણ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે, શું આ વિવિધ દાવાઓમાંથી કોઈ એક વાત બહાર આવશે કે પછી આ સમગ્ર મામલા પર ઢાંકપિછોડો કરીને તેને સમેટી લેવામાં આવશે? જ્યાં સુધી ઉચ્ચ સ્તરીય અને તટસ્થ તપાસ સમિતિની રચના કરી તમામ અહેવાલોની ઊંડાણપૂર્વક ચકાસણી ન થાય ત્યાં સુધી સત્ય બહાર આવવું મુશ્કેલ છે. આ ઘટનામાં ન્યાય અને પારદર્શિતા માટે જવાબદારો સામે કડક પગલાં લેવા અત્યંત જરૂરી છે.
નિર્દોષ કામદારોને ન્યાય મળશે કે પછી આ મામલો પણ સમેટી લેવાશે? : જ્યારે આટલી ગંભીર ઘટનામાં જવાબદારી નક્કી કરવી અત્યંત જરૂરી છે. ત્યારે આ કિસ્સામાં જો યોગ્ય તપાસ નહીં થાય તો તેના પરિણામો ખૂબ જ ગંભીર આવી શકે છે. જો જવાબદારો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અન્ય ઉદ્યોગપતિઓ અને કંપનીઓને પણ ખોટો સંદેશ મળશે કે સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમને કોઈ સજા થશે નહીં. આ બેદરકારીનું વાતાવરણ ઊભું કરશે. જ્યાં નફાને માનવજીવન કરતાં વધુ મહત્ત્વ આપવામાં આવશે, અને કામદારોના જીવન સતત જોખમમાં રહેશે. તેથી આ ઘટનામાં કડક અને પારદર્શક કાર્યવાહી ભવિષ્યમાં આવા અકસ્માતોને રોકવા માટે એક દાખલારૂપ પગલું બનશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com