૧૦૦૦ કિલો કેમિકલ પાવડર રસ્તે રઝળતો મૂકાયો! મીડિયાના દબાણ બાદ તંત્ર એક્શનમાં, પણ જવાબદાર કોણ?: વાગરા તાલુકાની વિલાયત GIDCમાં ઔદ્યોગિક સુરક્ષા અને પર્યાવરણના નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવતી એક સ્તબ્ધ કરી દેનારી ઘટના સામે આવી છે. વિલાયત ચોકડીથી ITIને જોડતા મુખ્ય માર્ગ પર અજાણ્યા શખ્સો દ્વારા કેમિકલ પાવડર ભરેલી ૧૦૦૦ કિલોગ્રામની બે જમ્બો બેગ બિનવારસી હાલતમાં ફેંકી દેવામાં આવી હતી. જોકે, આ ગંભીર બેદરકારીના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતાની સાથે જ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. અને ઘટના સ્થળેથી આ જોખમી બેગો ઉતાવળે હટાવી લેવામાં આવી હતી. એટલું જ નહીં, જે જગ્યાએ બેગ પડી હતી ત્યાં માટી પાથરી દઈને જાણે પુરાવા મિટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમ જણાતા સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઘટનાની વિગતો મુજબ, જુબિલિયન્ટ કંપનીના પાછળના ભાગે જાહેર રોડ પર આ પ્રકારે જોખમી પાવડરનો જથ્થો છોડી દેવાતા પ્રદૂષણ અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા હતા. તપાસ કરતા મળી આવેલી બેગ પર સુરતની જાણીતી કંપની ગાર્ડન સિલ્ક મિલ્સ લિમિટેડ (જોલવા) ના લેબલ જોવા મળ્યા હતા. બેગ પર સ્પષ્ટ ઉલ્લેખ હતો કે તેમાં પોલિએસ્ટર ચિપ્સ ભરેલી છે અને તે માત્ર ઔદ્યોગિક વપરાશ માટે જ છે.
શું સફાઈના નામે પુરાવા મિટાવવાનો ખેલ ખેલાયો?: આ ઉપરાંત, પેકેજિંગ કરનાર કંપની તરીકે નવસારીની આદિત્ય ટિમપેક પ્રાઇવેટ લિમિટેડનું નામ પણ ટેગ પર જોવા મળ્યું હતું. આ પુરાવાઓ સૂચવે છે કે આ જથ્થો સુરતની કંપનીનો છે, પરંતુ પ્રશ્ન એ છે કે આ માલ વિલાયત GIDCના રોડ પર બિનવારસી હાલતમાં કેવી રીતે પહોંચ્યો?
ઔદ્યોગિક કચરો કે રો-મટિરિયલને આ રીતે જાહેરમાં ફેંકી દેવો એ ગુનાહિત બેદરકારી છે. જો આ પાવડર પવનમાં ઉડીને આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફેલાયો હોત તો મોટી જાનહાનિ થઈ શકતી હતી. સ્થાનિકોમાં ચર્ચા છે કે, શું આ માલ ચોરીનો હતો જે પકડાઈ જવાના ડરે ફેંકી દેવાયો? કે પછી વેસ્ટ નિકાલ માટે કોઈ શોર્ટકટ અપનાવવામાં આવ્યો હતો? હાલ તો મીડિયાના દબાણ હેઠળ બેગો હટાવી લેવાઈ છે, પરંતુ પ્રજામાં એવી પ્રબળ માંગ ઉઠી છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસ તંત્ર દ્વારા બેગ પરના બેચ નંબરના આધારે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને જવાબદાર કંપની કે ઈસમો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
જોખમી કચરો ફેંકનારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની ઉગ્ર માંગ: વિલાયત GIDCમાં જે પ્રકારે જોખમી કેમિકલનો જથ્થો બિનવારસી હાલતમાં ફેંકી દેવાયો, તે માત્ર પર્યાવરણીય નિયમોનો ભંગ નથી પણ માનવ જિંદગી સાથેનો ક્રૂર ખીલવાડ છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે, શું મીડિયાના દબાણ બાદ માત્ર બેગો હટાવી લેવાથી અને માટી પાથરી દેવાથી તંત્રની જવાબદારી પૂર્ણ થઈ જાય છે? બેગ પર રહેલા ગાર્ડન સિલ્ક મિલ્સ લિમિટેડ અને આદિત્ય ટિમપેકના લેબલ તેમજ બેચ નંબર એ સ્પષ્ટ પુરાવા છે, જેના આધારે આ માલ ક્યાંથી આવ્યો અને કોણે રસ્તા પર ફેંક્યો તેની કડી મેળવી શકાય તેમ છે. શું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક પોલીસ આ પુરાવાઓના આધારે ઉંડાણપૂર્વક તપાસ કરીને જવાબદારી નક્કી કરશે, કે પછી દર વખતની જેમ ભીનું સંકેલી લેવામાં આવશે? જો આવા ગંભીર કિસ્સામાં દાખલારૂપ કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ઉદ્યોગોની આવી ગુનાહિત બેદરકારી ભવિષ્યમાં કોઈ મોટી હોનારતને નિમંત્રણ આપી શકે છે. સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓ હવે માત્ર સફાઈ નહીં, પરંતુ જવાબદારો સામે કડક કાયદેસરના પગલાની અપેક્ષા રાખી રહ્યા છે.
વિલાયત GIDC પ્રદૂષણ માફિયાઓનું એપીસેન્ટર? વાયુ અને જળ પ્રદૂષણ બાદ હવે ઘન કચરાના ગેરકાયદે નિકાલથી જનતા ત્રસ્ત, તંત્રની રહેમનજર હેઠળ માફિયાઓ બેફામ?: વિલાયત GIDCમાં બિનવારસી કેમિકલ બેગ મળી આવવાની ઘટના એ તો માત્ર સામાન્ય બાબત ગણી શકાય. વાસ્તવમાં અહીં લાંબા સમયથી પર્યાવરણના નામે ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી છે. આ વિસ્તારમાં વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હવે નવાઈની વાત રહી નથી, પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે તંત્રની લાપરવાહી અથવા મીલીભગતના કારણે આવા પ્રદૂષણ માફિયાઓ વધુને વધુ બેફામ બની રહ્યા છે. નિયમો માત્ર કાગળ પર રહી ગયા હોય તેમ વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કે દાખલારૂપ પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે ઉદ્યોગોના જોખમી કચરાને જાહેરમાં ફેંકી દેવાની હિંમત માફિયાઓમાં વધી છે. શું GPCB અને જવાબદાર વહીવટી તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? માત્ર કાગળ પરની તપાસના નાટકો બંધ કરી જો હવે કડક હાથે કામ લેવામાં નહીં આવે, તો વિલાયત GIDC અને આસપાસના ગામો ટૂંક સમયમાં જ વસવાટ કરવા લાયક નહીં રહે. આ બેફામ બનેલા માફિયાઓ પર લગામ કસવી હવે અનિવાર્ય બની ગઈ છે.
પર્યાવરણના દુશ્મનો પર લગામ ક્યારે? જો નક્કર કાર્યવાહી નહીં થાય તો વિલાયત GIDC પ્રદૂષણની મોટી હોનારત તરફ ધકેલાશે: GIDCમાં બિનવારસી કેમિકલના જથ્થાની આ ઘટના બાદ જો હવે પણ તંત્ર દ્વારા કોઈ આકરા પગલાં લેવામાં નહીં આવે, તો આ પર્યાવરણના દુશ્મનો સંપૂર્ણપણે બેલગામ બની જશે. અત્યાર સુધી તંત્રની ઢીલી નીતિ અને આંખ આડા કાન કરવાની વૃત્તિને કારણે જ આવા તત્વોને મોકળું મેદાન મળ્યું છે. જો આ વખતે પણ લેબલ અને બેચ નંબર જેવા સ્પષ્ટ પુરાવા હોવા છતાં જવાબદાર કંપની કે કોન્ટ્રાક્ટરોને છોડી દેવામાં આવશે, તો તે અન્ય માફિયાઓ માટે પણ પ્રોત્સાહન સમાન સાબિત થશે. પર્યાવરણના જતનના મોટા-મોટા દાવાઓ વચ્ચે રસ્તા પર ઝેરી કચરો ફેંકનારાઓ વિરુદ્ધ જો ફોજદારી રાહે તપાસ કરી જેલના સળિયા પાછળ ધકેલવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં સામાન્ય જનતાના સ્વાસ્થ્ય અને કુદરતી સંપત્તિનું નિકંદન નીકળી જશે તે ચોક્કસ છે. હવે સમય આવી ગયો છે કે તંત્ર કાગળ પરની કાર્યવાહી છોડી ખરા અર્થમાં કલીન ગુજરાત માટે કડક હાથે કામ લે.
આ પણ વાંચો: કેમિકલ સ્લજ ભરેલા ટ્રેલરમાંથી રોડ પર ઢોળાયું કેમિકલ, પોલીસે કાર્યવાહી કરી..
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com