Geo Gujarat News

વાગરા: કેમિકલ વેસ્ટ ઠાલવતું ટેન્કર ઝડપાયું, ચાલક પોલીસ જાળમાં, GFL કંપનીની ભૂમિકા સામે પણ ઉઠ્યા સવાલો, પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી

વાગરા તાલુકામાં કેમિકલ માફિયાની ઘોર બેદરકારી અને માનવજીવન પ્રત્યેની નિષ્ક્રિય માનસિકતાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જાહેર માર્ગ પર બેફામ રીતે ઝેરી કેમિકલ વેસ્ટ ઠાલવતા એક ટેન્કરને વાગરા પોલીસે ઝડપી પાડતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. દહેજ વિસ્તારની ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા જોખમી કેમિકલ વેસ્ટના ગેરકાયદે નિકાલનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, વાગરા પોલીસ મથકના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ સ્ટાફ સાથે ટાઉન બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એચ.પી. પેટ્રોલ પંપથી જી.ઈ.બી. ચોકડી તરફ જતા જાહેર માર્ગ પર પસાર થઈ રહેલા ટેન્કર નંબર GJ 18 BV 6699 પરથી અત્યંત તીવ્ર દુર્ગંધ આવતી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. નજીક જઈ તપાસ કરતાં ટેન્કરના પાછળના ભાગે આવેલો મુખ્ય વાલ્વ ખુલ્લો હોવાનું સામે આવ્યું હતું. અને અંદર ભરાયેલું ઝેરી કેમિકલ વેસ્ટ સીધું રોડ પર ઢોળાઈ રહ્યું હતું.રસ્તા પર વહેતા આ ઝેરી પ્રવાહના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને આસપાસના લોકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું હતું. સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય અને રોષનો માહોલ સર્જાયો હતો. જો સમયસર કાર્યવાહી ન કરવામાં આવી હોત તો કોઈ ગંભીર અકસ્માત કે ઝેરી વાયુના કારણે જાનહાનિ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકતી હતી. પોલીસે તાત્કાલિક ટેન્કરને અટકાવી ચાલકની પૂછપરછ હાથ ધરી હતી. તપાસમાં ઝડપાયેલા આરોપીની ઓળખ શિવશંકર દેવીયાલ પાલ (ઉં. 41), મૂળ વતન કાનપુર, ઉત્તર પ્રદેશ અને હાલ છત્રાલ GIDC ફેઝ-4 ખાતે રહેતા તરીકે થઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે ચાલકના જણાવ્યા મુજબ ટેન્કર દહેજ સ્થિત GFL કંપનીમાંથી લોડ કરવામાં આવ્યું હતું અને ટેન્કરનો વાલ્વ કંપનીમાંથી નીકળતી વખતે જ ખુલ્લો હતો. આ ખુલાસા બાદ હવે કંપની મેનેજમેન્ટની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. શું કંપની દ્વારા કોઈ સુરક્ષા ચેકિંગ કરવામાં આવ્યું ન હોતું? જોખમી કેમિકલ ભરેલા ટેન્કરને યોગ્ય નિરીક્ષણ વગર બહાર જવા દેવામાં આવ્યું હતું? જો હા, તો આ બેદરકારી માટે જવાબદાર કોણ? સ્થાનિકોમાં ચર્ચા છે કે દહેજ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં કેટલાક કેમિકલ માફિયાઓ દ્વારા નિયમોને બાજુ પર મૂકી પર્યાવરણ અને માનવજીવન સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા છે. જાહેર માર્ગો પર કેમિકલ વેસ્ટ છોડવાના આવા બનાવો માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ સમગ્ર સમાજના આરોગ્ય સામેનું ગંભીર ષડયંત્ર સમાન છે. આ સમગ્ર મામલે વાગરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે તપાસનો દોર માત્ર ચાલક સુધી સીમિત રહે છે કે પછી કેમિકલ વેસ્ટના આ ગેરકાયદે નેટવર્કમાં સંકળાયેલા મોટા માથાઓ સુધી પણ પહોંચે છે.અત્રે નોંધનીય છે કે અગાઉ પણ સાયખા GIDC સ્થિત માલ્વીસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અત્યંત જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવતો હોવાનો મસમોટો ભાંડો એલ.સી.બી. ભરૂચે ફોડ્યો હતો. તે ઘટનામાં માનવજીવન અને પર્યાવરણની ગંભીર અવગણના સામે આવતા સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ હતી. હવે વાગરામાં જાહેર માર્ગ પર કેમિકલ વેસ્ટ ઠાલવતું ટેન્કર ઝડપાતા ફરી એકવાર ઔદ્યોગિક એકમો અને કેમિકલ માફિયાઓની સાંઠગાંઠ અંગે ચર્ચાઓ તેજ બની છે. સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે, શું આ સમગ્ર મામલામાં પણ અગાઉ જેવી કોઈ ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ નિકાલની કડી તો જોડાયેલી નથી ને?

વાગરા: ઝેરી કેમિકલના ગેરકાયદે ખેલ પર ક્રાઇમ બ્રાન્ચની સર્જિકલ સ્ટ્રાઈક, પર્યાવરણના દુશ્મનો બેનકાબ!

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.