પ્રતિબંધ છતાં ઓવરલોડ વાહનો બેરોકટોક, રજૂઆતો છતાં તંત્ર મૌન! આમોદથી દહેજ જવાના મુખ્ય માર્ગ પર ચાંચવેલ અને પાલડી ગામ વચ્ચે આવેલો જૂનો બ્રિજ હાલ ગંભીર રીતે જર્જરિત બની ગયો હોવા છતાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. એક તરફ નવા બ્રિજનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, તો બીજી તરફ હાલ ઉપયોગમાં લેવાતા જૂના બ્રિજનું કોંક્રિટ સતત ખરી રહ્યું છે, નીચેના ભાગે મોટા પોપડાં તૂટી પડતાં લોખંડના સળિયા ખુલ્લેઆમ દેખાઈ રહ્યા છે. એટલુંજ નહિ આ બ્રિજને લોખંડના ટેકા આપીને જબરદસ્તી ઉપયોગમાં લેવાય રહ્યો છે.બ્રિજની હાલત એવી બની ગઈ છે કે, જાણે કોઈ પણ ક્ષણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે, છતાં જવાબદાર તંત્ર મૌન ધારણ કરી બેઠું હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. અગાઉ પણ આ મુદ્દે અનેકો વાર તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે બ્રિજ પરથી 20 ટનથી વધુ વજન ધરાવતા વાહનોના અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં રાત્રિના સમયે ઓવરલોડ ટ્રકો અને ભારે વાહનો બેરોકટોક પસાર થઈ રહ્યા છે. નિયમોનો ખુલ્લેઆમ ભંગ છતાં કોઈ દેખરેખ ન હોવાને કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક આગેવાન સફીક મોલુએ કડક શબ્દોમાં જણાવ્યું કે, આ બ્રિજ હવે વિકાસનું નહીં પરંતુ મોતનું પ્રતીક બની ગયો છે. દરરોજ શાળાએ જતા બાળકો, નોકરી-ધંધે જતા લોકો અને હજારો વાહનચાલકો જીવના જોખમે અહીંથી પસાર થાય છે. અનેક વખત રજૂઆતો છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. જો બ્રિજ તૂટી પડશે અને નિર્દોષ લોકોના જીવ જશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને સંબંધિત અધિકારીઓની રહેશે તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે.
જર્જરિત બ્રિજ પર જીવના જોખમે અવરજવર, ગ્રામજનોમાં ભારે રોષ! વાગરા તાલુકાના ચાંચવેલ, પાલડી, બદલપુરા સહિત આસપાસના ગામોના ગ્રામજનોએ તાત્કાલિક અસરથી જૂના બ્રિજની બાજુમાં સુરક્ષિત અને મજબૂત ડાયવર્ઝન બનાવવા, ડાયવર્ઝન તૈયાર ન થાય ત્યાં સુધી કાયમી પોલીસ પોઈન્ટ ગોઠવી ઓવરલોડ વાહનો પર કડક નિયંત્રણ લાદવા, ભારે વાહનોને રોકવા હાઈટ ગેજ સ્થાપિત કરવા તેમજ કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો વહીવટી તંત્ર આ અત્યંત ગંભીર મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરીને ડાયવર્ઝનની વ્યવસ્થા ઉભી નહીં કરે, તો ચાંચવેલ, પાલડી, બદલપુરા સહિતના અસરગ્રસ્ત ગામોના લોકો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે કે પછી સમયસર જાગીને લોકોના જીવ બચાવવા અસરકારક પગલાં ભરશે.
મીડિયાએ ચેતવ્યું…ગ્રામજનોએ રજૂઆતો કરી…છતાં તંત્ર ઊંઘમાં!અત્રે ઉલ્લેખનીય છે કે, ચાંચવેલ-પાલડી વચ્ચેના આ જર્જરિત બ્રિજ અંગે અગાઉ પણ અનેક વખત પુરાવા સાથે મીડિયામાં અહેવાલો પ્રકાશિત થયા હતા. સ્થાનિક ગ્રામજનોએ પણ વારંવાર સંબંધિત વિભાગો અને અધિકારીઓને રજૂઆતો કરીને બ્રિજની અત્યંત જોખમી સ્થિતિ તરફ ધ્યાન દોર્યું છે. છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, શું જવાબદાર તંત્ર કોઈ મોટી જાનહાનિ કે ગમખ્વાર દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? બ્રિજનું કોંક્રિટ સતત ખરી રહ્યું છે, લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. ચોંકાવનારી અને ગંભીર બાબત એ છે કે આ બ્રિજના નીચે લોખંડના ટેકા મારવામાં આવ્યા છે. અને વધુમાં પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનો બેરોકટોક પસાર થઈ રહ્યા છે, છતાં પણ તંત્રની નિષ્ક્રિયતા અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે. જો ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાશે, તો તેની સંપૂર્ણ નૈતિક અને વહીવટી જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે તેવી લાગણી ગ્રામજનોમાં પ્રબળ બની રહી છે.
ચાંચવેલ-પાલડીનો બ્રિજ બન્યો જીવલેણ, તંત્રની બેદરકારી ક્યાં સુધી? સમસ્યાના કાયમી સમાધાન માટે, સંબંધિત માર્ગ અને મકાન વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્રએ તાત્કાલિક જર્જરિત બ્રિજની ઉચ્ચ સ્તરીય તકનિકી તપાસ કરાવી તેની સલામતી અંગે જાહેર અહેવાલ બહાર પાડવો જોઈએ. નવા બ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી જૂના બ્રિજની બાજુમાં મજબૂત અને સુરક્ષિત ડાયવર્ઝન તૈયાર કરવું, કાયમી પોલીસ પોઈન્ટ ગોઠવી ઓવરલોડ વાહનોની અવરજવર પર કડક નિયંત્રણ લાવવું અને હાઈટ ગેજ સહિત જરૂરી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવી સમયની માંગ બની છે. સાથે જ નવા બ્રિજનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરી સામાન્ય જનતાને સલામત અવરજવરની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ. જો અગાઉ થયેલી રજૂઆતો છતાં જવાબદાર અધિકારીઓએ બેદરકારી દાખવી હોય, તો તેમની જવાબદારી પણ નક્કી કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે, તેવી ગ્રામજનોની માંગ વધુ પ્રબળ બની રહી છે.
આ પણ જરૂર વાંચો: લોખંડના સળિયાં પર ટકેલો વિશ્વાસ!, ચાંચવેલ નજીકનો બ્રિજ તૂટી પડે તે પહેલાં તંત્ર જાગશે?
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com