મેડિકલ વેસ્ટ વચ્ચે હજારો માછલીઓનો સામૂહિક વિનાશ! વાગરા તાલુકાના વીંછીયાદ ગામના તળાવમાં હજારો માછલીઓના સામૂહિક મોતની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. તળાવના કિનારે સેંકડો મૃત માછલીઓ પડેલી જોવા મળતાં પર્યાવરણ અને જળસંપત્તિની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઘટનાસ્થળે તળાવમાં મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ પણ જોવા મળ્યો હોવાનું સામે આવતા સમગ્ર મામલો વધુ શંકાસ્પદ બન્યો છે. ગામના જાગૃત નાગરિકોએ પરિસ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. ટ્રેક્ટર ભરી મૃત માછલીઓને બહાર કાઢી જમીનમાં દાટી દેવામાં આવી હતી, જેથી કોઈ અસામાજિક તત્વો તેને વેચાણ માટે લઈ ન જાય અથવા લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય. તેમ છતાં હજુ પણ તળાવમાં અનેક મૃત માછલીઓ તરતી જોવા મળી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
આજે માછલીઓ મરી, કાલે માનવજીવન જોખમમાં મુકાય તો જવાબદાર કોણ? આ ઘટનાનું સાચું કારણ શું છે તે હજી સ્પષ્ટ થયું નથી. શું તળાવમાં બેદરકારીપૂર્વક ફેંકાયેલા મેડિકલ વેસ્ટના કારણે પાણી ઝેરી બન્યું છે? શું કોઈએ કેમિકલયુક્ત પ્રવાહી છોડ્યું છે? કે પછી અન્ય કોઈ પ્રદૂષણ જવાબદાર છે? આવા અનેક સવાલો લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. જો ખરેખર બેદરકારી અથવા પ્રદૂષણના કારણે આ સ્થિતિ સર્જાઈ હોય, તો તે માત્ર માછલીઓના મોત પૂરતો મુદ્દો નથી, પરંતુ સમગ્ર પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે ગંભીર ચેતવણી સમાન છે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે તંત્ર તાત્કાલિક તળાવના પાણીના નમૂનાઓ અને મૃત માછલીઓની વૈજ્ઞાનિક તપાસ કરાવે, સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરે અને જો કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા ઉદ્યોગની બેદરકારી જવાબદાર હોય તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરે. કારણ કે આવી ઘટનાઓમાં માત્ર તપાસના નામે ઔપચારિકતા નહીં, પરંતુ જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી જ ભવિષ્યમાં આવી પર્યાવરણીય દુર્ઘટનાઓને અટકાવી શકે છે.
એક પછી એક જળહત્યાકાંડ! વિલાયત બાદ હવે વીંછીયાદ તળાવમાં હજારો માછલીઓના સામૂહિક મોત! અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ વિલાયતની ભૂખી ખાડીમાં પણ સેંકડો માછલીઓના રહસ્યમય રીતે મોત થયાની ઘટના સામે આવી હતી. હવે વીંછીયાદ ગામના તળાવમાં હજારો માછલીઓના સામૂહિક મોતથી પર્યાવરણ પ્રત્યેની બેદરકારી અને પ્રદૂષણ અંગે ગંભીર સવાલો ફરી એકવાર ઊભા થયા છે. જો એક પછી એક આવી ઘટનાઓ છતાં સંબંધિત વિભાગો માત્ર કાગળ પરની કાર્યવાહી કરીને સંતોષ માનશે, તો જળસંપત્તિ અને પર્યાવરણને બચાવવાની વાતો માત્ર ખોખલા દાવા પૂરતી જ રહી જશે. હવે જવાબદાર કોણ છે? તે શોધી માત્ર તપાસના અહેવાલો તૈયાર કરવાની નહીં, પરંતુ દોષિત સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવાની સમયની તાતી જરૂરિયાત છે.
હવે માત્ર તપાસ નહીં, જવાબદારો સામે કડક કાર્યવાહી જ એકમાત્ર ઉપાય! વીંછીયાદ ગામના તળાવમાં હજારો માછલીઓના સામૂહિક મોત જેવી ગંભીર ઘટના બાદ હવે માત્ર તપાસના આદેશો કે કાગળ પરની કાર્યવાહીથી કામ નહીં ચાલે. તંત્રએ તાત્કાલિક પાણી અને મૃત માછલીઓના વૈજ્ઞાનિક નમૂનાઓની તપાસ કરાવી ઘટનાનું સાચું કારણ જાહેર કરવું જોઈએ. જો મેડિકલ વેસ્ટ, કેમિકલયુક્ત પ્રવાહી અથવા અન્ય કોઈ વ્યક્તિ, સંસ્થા કે ઉદ્યોગની બેદરકારી જવાબદાર હોવાનું સામે આવે તો તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરીને દાખલો બેસાડવો જોઈએ. સાથે જ તળાવમાં ગંદકી અને જોખમી કચરો ઠાલવતા તત્વો સામે સતત દેખરેખ, દંડાત્મક કાર્યવાહી અને તળાવના પુનઃજીવન માટે અસરકારક પગલાં ભરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી પર્યાવરણીય દુર્ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય.
આ પણ વાંચો: વિલાયતની ભૂખી ખાડીમાં મૃત માછલાઓના ઢગલા વાગ્યા!
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com