Geo Gujarat News

વાગરા: સાયખા GIDCની UC Colours & Intermediatesમાંથી નીકળ્યા શંકાસ્પદ ધુમાડા, લોકોમાં ભયનો માહોલ, હવે ક્લોઝરની કાર્યવાહી થશે કે નહીં?

GIDCમાં પ્રદૂષણનો પુનરાવર્તન, નોટિસોથી નહીં અટકે પ્રદૂષણ! હવે ક્લોઝર સહિતની કડક કાર્યવાહીની માંગ ઉગ્ર: વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી UC Colours & Intermediates Pvt. Ltd. કંપની ફરી એકવાર પ્રદૂષણના ગંભીર આરોપોને લઈને ચર્ચાના કેન્દ્રમાં આવી છે. કંપનીના શેડમાંથી અચાનક ઘાટા અને શંકાસ્પદ ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. ધુમાડો એટલો તીવ્ર હતો કે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોની આંખોમાં બળતરા શરૂ થઈ ગઈ હોવાની ફરિયાદો સામે આવી હતી. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ઉઠી છે કે કંપનીમાં કોઈ અકસ્માત સર્જાયો હતો કે પછી કોઈ જોખમી કેમિકલ રિએક્શન થયું હતું. જોકે, વાસ્તવમાં શું બન્યું તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. અને સમગ્ર મામલો તપાસનો વિષય બન્યો છે. પરંતુ વારંવાર આવી ઘટનાઓ સામે આવતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આ જ કંપનીની બહાર રંગીન અને શંકાસ્પદ કેમિકલયુક્ત પાણીના તળાવો ભરાઈ જવાના અહેવાલો સામે આવ્યા હતા, જે અંગે મીડિયામાં પણ વિસ્તૃત અહેવાલો પ્રકાશિત થયા હતા. તેમ છતાં જો ફરીથી આવી જ ઘટના સામે આવી રહી હોય, તો પ્રશ્ન એ ઊભો થાય છે કે અગાઉની કાર્યવાહી માત્ર કાગળો પૂરતી જ મર્યાદિત રહી ગઈ હતી કે શું?પર્યાવરણ સાથે ખીલવાડ બંધ કરો! જવાબદાર સામે દાખલારૂપ કાર્યવાહી જરૂરી : સ્થાનિક લોકો હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે માંગ કરી રહ્યા છે કે, સમગ્ર ઘટનાની વૈજ્ઞાનિક તપાસ કરીને હવા અને અન્ય જરૂરી નમૂનાઓ લેવામાં આવે અને જો કંપની જવાબદાર જણાય તો માત્ર નોટિસ આપીને મામલો દબાવી દેવાના બદલે ક્લોઝર સહિતની કડક અને નક્કર કાર્યવાહી કરવામાં આવે. વારંવાર સર્જાતી આવી ઘટનાઓ માત્ર ઔદ્યોગિક બેદરકારી છે કે પછી પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખીલવાડ? સાયખા GIDCમાં પ્રદૂષણના પ્રશ્નો વારંવાર સામે આવતા હોવા છતાં જવાબદાર તંત્ર કેટલું કડક વલણ અપનાવે છે તે હવે સૌની નજરમાં રહેશે. સ્થાનિક લોકોની માંગ છે કે સમગ્ર ઘટનાની GPCB દ્વારા તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે, હવા અને અન્ય જરૂરી નમૂનાઓ એકત્રિત કરી વૈજ્ઞાનિક અહેવાલ જાહેર કરવામાં આવે. જો કંપની પ્રદૂષણ ફેલાવવા માટે જવાબદાર જણાય તો માત્ર નોટિસ આપીને કાર્યવાહીનો દેખાવ કરવાના બદલે ક્લોઝર, દંડ અને પર્યાવરણના નિયમોના કડક અમલ સહિતની નક્કર કાર્યવાહી કરવામાં આવે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કંપનીમાં સતત મોનિટરિંગ, ઓનલાઈન ઉત્સર્જન નિરીક્ષણ અને નિયમિત ઓડિટ ફરજિયાત બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

આ પણ વાંચો: UC Colours બહાર કલરયુક્ત પાણી! સત્ય શું? રંગીન પાણીથી ચકચાર, તપાસની માંગ તેજ!

વાગરા: સાયખા GIDCમાં ફરી પ્રદૂષણની શંકા!UC Colours કંપની બહાર કલરયુક્ત પાણીના તળાવો! હવે GPCB સત્ય બહાર લાવશે?

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!