આમોદ નગરમાં પાલિકાના પાપે ઉદ્ભવતી સમસ્યાનો અંત આખરે ક્યારે આવશે.? ઉભરાતી ગટરોથી ત્રસ્ત સ્થાનિકો રોષે ભરાઇ ધરણા પર બેસવાની તૈયારીઓ બતાવી છે. સતત વિવાદોના વમણમાં ઘેરાયેલી આમોદ નગરપાલિકા ફરી ચર્ચામાં આવી છે. પ્રજાજનોને સુવિધા પુરી પાડવાને બદલે દુવિધામાં ધકેલતી પાલિકા પ્રત્યે નગરજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. સબકા સાથ સબકા વિકાસની વાતો કરતી ભાજપ સરકાર આમોદ નગરપાલિકાના પાપે બદનામ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. ચોમેરથી પાલિકા પ્રત્યે લોકો રોષ ઠાલવી રહ્યા છે. મહિના અગાઉ આપેલ લેખિત ફરિયાદનું આજદિન સુધી નિરાકરણ નહીં આવતા રહીશો રોષે ભરાયા છે. અને આવતી કાલે પાલિકા સામે ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમા આવેલ અપના નગર સોસાયટીના રહીશો ભૂગર્ભ ગટર ઉભરાવાના કારણે હેરાન-પરેશાન થઈ ઉઠ્યા છે. એક મહિના પહેલા ઉભરાતી ગટરોની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ પાલિકા કચેરી ખાતે ધસી જઈ હલ્લાબોલ કર્યો હતો. અને મૌખિક તેમજ લેખિતમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી. જોકે પાલિકાના સત્તાધીશોએ જેતે સમયે રહીશોને આશ્વાસન આપી મામલો થાળે પાડ્યો હતો. પરંતુ એક મહિના જેટલો સમયગાળો વીત્યા બાદ પણ આજદિન દિન સુધી કોઈજ નિરાકરણ કરવામાં આવ્યું નથી. ગટરની સમસ્યા યથાવત રહેતા આજરોજ ફરી અપના નગરના રહીશોએ એકત્ર થઈ પાલિકા સામે બાયો ચઢાવી છે. નગરપાલિકાના વિરોધ પક્ષના દીકરીના પિતાએ પાલિકા સામે રોષ ઠાલવતા મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપના બોર્ડની પાલિકાના વોર્ડ નંબર પાંચના તમામ સદસ્યો અપક્ષમાંથી ચૂંટાયેલા છે એટલા માટે અમારા વિસ્તારમાં કોઈજ કામગીરી કરવામાં આવતી નથી. અને અમારી રજૂઆતો પણ કોઈ ધ્યાને લેતા નથી. માટે આગામી દિવસોમાં અમો તમામ સ્થાનિકો એકત્ર થઈ કલેકટર કચેરીના દ્વાર ખખડાવીસુ તેમ તેઓએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જો આગામી 24 કલાકમાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો પાલિકા તેમજ કલેકટરને જાણ કરી ધરણા ઉપર બેસવાની તૈયારી પણ બતાવી હતી. આવડત વગણના લોકો સત્તા ઉપર બેસેલા છે. એટલેજ વિકાસના કામો ગોટાળે ચઢતા હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા પ્રત્યે લોકો સોશિયલ મીડિયામાં પણ રોષ ઠાલવી રહ્યા છે. ઉભરાતી ગટરોના ફોટાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો ઉજાગર કરી રહ્યા છે. જેના પરથી પાલિકાની વિકાસની વાતો પોકળ સાબિત થઈ રહી છે.

ગત રાત્રીના પણ પાલિકાએ ખોડેલા ખાડામાં એક બાઈક ચાલક ખાબક્યો હતો. જોકે સદ્દનસીબે તેનો આબાદ બચાવ થયો હતો. રાત્રીના સર્જાયેલ ઘટના અંગેના સમાચાર પણ પ્રકાશિત કરવામાં આવેલ હતા. પરંતુ પાલિકાના સત્તાધીશો હમ નહીં સુધરેંગેની નીતિ અપનાવી આંખ, કાન બંધ કરી મોન ધારણ કરી મોટી હોનારત સહિત ગંભીર રોગચાળો ફાટી નીકળવાની રાહ જોઈ બેઠા હોય તેવી લોકચર્ચાઓ વહેતી થઈ છે.
આમોદ: રસ્તા ઉપર ખોદેલ ખાડામાં બાઈક ચાલક ખાબક્યો, પાલિકાના પાપે પ્રજાજનોને હાલાકી વેઠવાનો વારો
અનેક વાર લેખિક તેમજ મૌખિક રજૂઆતો, રોજબરોજ મીડિયાના માધ્યમથી ઉજાગર થતી સમસ્યાઓ છતાં પરિણામ શૂન્ય..? હવે જોવું એ રહ્યું કે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ભાજપની શાખને દાગ લગાડતા આમોદ નગરપાલિકાના નિંદ્રાધીન સત્તાધીશો જાગે છે કે પછી નગરજનોને ઉભરાતી ગટરમાંજ રહેવા મજબુર કરે છે.? તે જોવું રહ્યું.

રિપોર્ટ: યાસીન દિવાન – આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com