વાગરા-દહેજ રોડ પર માવજતના અભાવે સેંકડો છોડવાઓ મરણતોલ હાલતમાં! પર્યાવરણ બચાવવા અને ગ્રીન બેલ્ટના નિર્માણ માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા વાગરા-દહેજ માર્ગ પર વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં વહિયાલ-પખાજણ વચ્ચે અને સુતરેલ માર્ગની બાજુમાં રોપવામાં આવેલા નવા છોડવાઓ આજે માર્ગ પર ધૂળ ખાઈ રહ્યા છે. માર્ગની સુંદરતા વધારવા અને પ્રદૂષણ ઘટાડવા માટે વન વિભાગ દ્વારા લાખોના ખર્ચે જે રોપાઓ વાવવામાં આવ્યા હતા, તે હવે શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, રોપાઓના રક્ષણ માટે લગાવવામાં આવેલા લોખંડના પિંજરા સાથે જ આ છોડવાઓ જમીનદોસ્ત થઈ ગયા છે. યોગ્ય માવજત, પાણીની વ્યવસ્થા અને વારંવારના નિરીક્ષણના અભાવે આ છોડવાઓ મુરઝાઈ રહ્યા છે. જો સમયસર આ નમી પડેલા છોડને ટેકો આપી ફરી ઉભા કરવામાં ન આવે, તો આ તમામ રોપાઓ ટૂંક સમયમાં નાશ પામશે તે નિશ્ચિત છે.
માત્ર વાવેતરનો ઉત્સાહ, જતનમાં શૂન્યતા? અગાઉ 620 રોપાઓ આગમાં બળીને ખાખ થયા હતા: સ્થાનિકોમાં ઉઠતા રોષ મુજબ, વન વિભાગ માત્ર વાવેતરના આંકડા બતાવવામાં જ રસ ધરાવે છે. વૃક્ષારોપણના કાર્યક્રમોમાં ફોટા પડાવ્યા બાદ તે છોડનું જતન કરવાની જવાબદારી કોની? તે મોટો પ્રશ્ન છે. વાગરા-દહેજ રોડ પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે, છતાં વન વિભાગના કોઈ પણ અધિકારીની નજર આ નમી પડેલા છોડવાઓ પર કેમ નથી પડતી તે એક રહસ્ય છે. નોંધનીય છે કે, વન વિભાગની લાપરવાહીની આ કોઈ પહેલી ઘટના નથી. હજુ ગણતરીના દિવસો પહેલા જ વાગરા-આંકોટ માર્ગ પર સુરક્ષાના અભાવે અંદાજે 620 જેટલા રોપાઓ આગની લપેટમાં આવી ગયા હતા. વન વિભાગની જાગૃતિના અભાવે તે વખતે હરિયાળી બળીને રાખ થઈ ગઈ હતી, છતાં તંત્રએ તેમાંથી કોઈ બોધપાઠ લીધો હોય તેમ લાગતું નથી.
લાખોના ખર્ચે રોપેલા છોડવાઓ જમીનદોસ્ત, વન વિભાગ ક્યારે જાગશે? એક તરફ ગ્લોબલ વોર્મિંગની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ તૈયાર થયેલા છોડવાઓને રઝળતા મૂકી દેવામાં આવે છે. ટ્રી-ગાર્ડ અને રોપાઓ પાછળ ખર્ચાયેલા સરકારી નાણાં એટલે કે પ્રજાના ટેક્સના પૈસાનો આ રીતે વ્યય થઈ રહ્યો છે. જો ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તપાસ કરી તાત્કાલિક ધોરણે છોડવાઓને પુનઃજીવિત કરવાની તજવીજ હાથ ધરે તે અત્યંત જરૂરી જણાય રહ્યું છે.
આ પણ વાંચો: અસામાજિક તત્વોએ વાવેતર પ્લોટ સળગાવી ૬૨૦ રોપા ખાખ કર્યા, વન વિભાગ એક્શનમાં!
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com