રાત્રીના અંધકારે નંબર પ્લેટ પર પટ્ટી મારી ગાડીઓ દોડી! ચૂંટણીના પડઘમ વચ્ચે વાગરા તાલુકાના કેશવાન વિસ્તારમાં રાત્રિએ જે દ્રશ્યો જોવા મળ્યા તેણે લોકશાહીની ગરિમા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આદર્શ આચારસંહિતાના લીરેલીરા ઉડાડતા હોય તેમ રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરોએ રાત્રી દરમિયાન આ વિસ્તારમાં ધામા નાખ્યા હતા. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ હતી કે, આ નેતાઓની ગાડીઓની નંબર પ્લેટ પર પટ્ટીઓ મારીને ઓળખ છુપાવવાનો અધમ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે શંકાસ્પદ ગાડીઓના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. રાત્રીના અંધારામાં આખરે એવું તે શું છુપાવવાનું હતું કે નંબર પ્લેટ પર પટ્ટી મારવાની નોબત આવી? આ બાબત અત્યારે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે.
મતદારોને દારૂ અને પ્રલોભન પીરસાયા? ગાડીઓની ઓળખ છુપાવતા નેતાઓથી તંત્ર સામે ઉઠ્યા સવાલો! સ્થાનિક સૂત્રોમાં થતી ચર્ચાઓ મુજબ, શું આ અંધારાનો લાભ લઈને મતદારોને લલચાવવા માટે રોકડ રકમનું પ્રલોભન આપવામાં આવી રહ્યું છે? કે પછી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મતદારોને રીઝવવા માટે મદિરાની મિજબાની પીરસવામાં આવી રહી છે? જે રીતે ગાડીઓના કાફલા ખાનગી રીતે ફરી રહ્યા હતા, તે જોતા સ્પષ્ટ જણાય છે કે દાળમાં કંઈક કાળું નહીં, પણ આખી દાળ જ કાળી છે. જ્યારે જનતા મોંઘવારી અને પાયાની સુવિધાઓ માટે ઝઝૂમી રહી હોય, ત્યારે સત્તાના ભૂખ્યા નેતાઓ રાતના અંધકારે આવા અનૈતિક હથકંડા અપનાવે તે લોકશાહી માટે લાલબત્તી સમાન કિસ્સો છે. શું આને જ આપણે લોકશાહી કહીશું? જ્યાં મતોની લે-વેચ માટે રાત્રિના ચોરની જેમ ફરવું પડે? આ ઘટનાએ ચૂંટણી પંચની સજ્જતા અને પોલીસ પ્રશાસનની કામગીરી પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. શું તંત્ર આ નંબર પ્લેટ વગરની ગાડીઓ અને રાત્રીના અંધકારે ચાલતા વહીવટ સામે કડક તપાસ કરશે? કેશવાન વિસ્તારની આ ઘટના અત્યારે તપાસનો વિષય બની છે અને જાગૃત નાગરિકો આની સામે સખત રોષ વ્યક્ત કરી રહ્યા છે. જો નિષ્પક્ષ તપાસ નહીં થાય, તો લોકશાહીના પવિત્ર પર્વ પર આ કલંક ભૂંસાવું અશક્ય છે.
ચૂંટણી પંચમાં લેખિત ફરિયાદ, સાડી અને રોકડના જોરે લોકશાહી ખરીદવાનો પ્રયાસ?: આ ગંભીર ઘટનામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા સાંજે ચૂંટણી અધિકારીને લેખિતમાં ચોંકાવનારી ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સાંજના સમયે મતદારોને રીઝવવા માટે સરેઆમ રૂપિયા અને સાડીઓ વહેંચવામાં આવી રહી છે. ત્યાં રાત્રે ફરી નવો વિડીયો સામે આવ્યો છે. એક તરફ આદર્શ આચારસંહિતાના કડક અમલના દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા ભૌતિક પ્રલોભનો આપીને જનતાના મત ખરીદવાની આ હીન હિલચાલ લોકશાહીના પાયા હચમચાવી રહી છે. શું ચૂંટણી પંચ આ લેખિત ફરિયાદને આધારે સીસીટીવી ફૂટેજ કે પુરાવાઓની તપાસ કરી કડક કાર્યવાહી કરશે? પ્રલોભનની આ રાજનીતિ સામે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જો પ્રતિનિધિઓ પૈસા અને સાડી વહેંચીને ચૂંટાશે, તો તે જનતાના કામ કરવાને બદલે પોતાના રોકાણની વસૂલાત જ કરશે તે નિશ્ચિત છે.
લોકશાહીના રખેવાળ મૌન કેમ? શું પોલીસ અને ચૂંટણી પંચ આ ગુપ્ત ખેલની નિષ્પક્ષ તપાસ કરશે? વાગરાના પંથકમાં બનેલી આ ઘટના બાદ હવે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે, શું જવાબદાર તંત્ર આ મામલે કોઈ નક્કર તપાસ હાથ ધરશે? રાત્રીના અંધારે નંબર પ્લેટ છુપાવીને ફરતી ગાડીઓ પાછળનો અસલી મકસદ શું હતો, તે બહાર આવવું અત્યંત જરૂરી છે. જો સામાન્ય નાગરિકની ગાડીની નંબર પ્લેટ પર સહેજ પણ ચેડાં હોય તો પોલીસ તુરંત દંડ ફટકારે છે, તો પછી આ નેતાઓની ગાડીઓ સામે આંખ આડા કાન કેમ? જનતામાં એવી ચર્ચા છે કે જો આ ઘટનાના સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ્સની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મતોના સોદાબાજીના મોટા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે તેમ છે. હવે જોવાનું એ રહે છે કે ચૂંટણી પંચ આ બાબતને ગંભીરતાથી લઈને કોઈ દાખલારૂપ કાર્યવાહી કરે છે કે પછી લોકશાહીના મૂલ્યોનું ચીરહરણ થતું રહેશે?
શા માટે નંબર પ્લેટ છુપાવવામાં આવે છે?
- ઓળખ છુપાવવા માટે?: જ્યારે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જેમ કે દારૂ, રોકડ કે ભેટની વહેંચણી કરવાની હોય, ત્યારે વાહન કોનું છે તે ટ્રેક ન થઈ શકે તે માટે આ સૌથી પહેલો પેંતરો છે.
- CCTV કેમેરાથી બચવા?: આજકાલ દરેક મુખ્ય માર્ગો પર સ્માર્ટ કેમેરા હોય છે. નંબર પ્લેટ ઢાંકી દેવાથી પોલીસ કે વહીવટીતંત્ર ગાડીના માલિક સુધી પહોંચી શકતું નથી.
- ચૂંટણી પંચની નજરથી બચવા?: આચારસંહિતા દરમિયાન દરેક વાહન પર વોચ રાખવામાં આવે છે. રાજકીય નેતાઓ કે તેમના કાર્યકરો પકડાઈ ન જાય તે માટે આ રસ્તો અપનાવે છે.
- નેતાઓ શું છુપાવવા માંગે છે?: સામાન્ય રીતે ચૂંટણી સમયે મતદારોને લલચાવવા માટે વપરાતી ચીજવસ્તુઓ જેમ કે દારૂ, સાડી, સહિતની ભેટની હેરાફેરી કરવા માટે આવા ગુપ્ત વાહનો વપરાય છે.
- સત્તાનો દુરુપયોગ?: ઘણીવાર સરકારી કે પ્રભાવશાળી લોકોના વાહનો આવી પ્રવૃત્તિમાં સામેલ હોય છે, જેની ઓળખ જાહેર થવાથી મોટું રાજકીય નુકસાન થઈ શકે છે.
- રાતના અંધારાની મિટિંગો?: કોઈની નજરમાં આવ્યા વગર ચોક્કસ સ્થળોએ પહોંચવા અને ગોઠવણો કરવા માટે આ નંબર વગરની ગાડીઓ એક હથિયાર બને છે.
આ પણ વાંચો: કાળું નાણું ક્યાંથી આવ્યું? રોકડ અને સાડી વિતરણના આક્ષેપ સાથે દિપક પટેલની ચૂંટણી પંચને ફરિયાદ..
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com