ઈદે મિલાદની ખુશીમાં દુલ્હનની જેમ સજી ઊઠી દરગાહ, રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું પરિસર: વાગરાના લાહોરી ગોડાઉન ખાતે આવેલ ખાનકાહે કાદરિયા ચીસતીયા સાબીરિયા, હઝરત સૈયદ અબ્દુલ કાદિર કાદરિયા બાવાના ગાદી નશીન સૈયદ કાદરિબાવાના નિવાસસ્થાને જશને ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય રોશની અને શણગાર કરવામાં આવ્યો હતો. ઈદે મિલાદના પાવન અવસરને લઈને સમગ્ર ખાનકાહ પરિસર રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠતાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. પયગંબર હઝરત મહંમદ મુસ્તફા ﷺના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવેલા આ રોશનીના શણગારથી ખાનકાહે કાદરિયાની સુંદરતા વધુ ખીલી ઉઠી હતી. એટલું જ નહીં, ઈદે મિલાદુન્નબીના પાવન અવસરને લઈને દરગાહને પણ સુંદર અને આકર્ષક રીતે શણગારવામાં આવી હતી. રંગબેરંગી રોશની, ઝગમગતી લાઈટો અને મનમોહક સજાવટથી સમગ્ર દરગાહ પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. રોશનીના આ નયનરમ્ય દૃશ્યથી દરગાહની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હતા અને અકીદતમંદોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
સૈયદ કાદરિબાવાએ પાઠવી મુબારકબાદ, અકીદતમંદોમાં છવાયો ખુશીનો માહોલ: ઈદે મિલાદના પર્વને શ્રદ્ધા, અકીદત અને ઉત્સાહપૂર્વક ઉજવવા માટે બિરાદરોમાં પણ અનેરો ઉમંગ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સૈયદ કાદરિબાવાએ તમામ મુસ્લિમ બિરાદરોને ઈદે મિલાદુન્નબીની દિલી મુબારકબાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પયગંબર હઝરત મહંમદ સાહેબ ﷺના પવિત્ર જીવન અને તેમના સંદેશને યાદ કરી પ્રેમ, ભાઈચારો, શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવાનો સંદેશ આપ્યો હતો. ઈદે મિલાદ નિમિત્તે ખાનકાહે કાદરિયા ખાતે થયેલા આ રોશનીના ઝગમગાટને નિહાળવા માટે સ્થાનિક બિરાદરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. અને સમગ્ર પરિસર આધ્યાત્મિક ભાવનાથી તરબોળ બન્યું હતું.
ઈદે મિલાદના રંગે રંગાયું વાગરા: આજે વાગરામાં ઈસ્લામ ધર્મના પયગંબર હઝરત મહંમદ મુસ્તફા ﷺના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન્નબીની શાનદાર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વાગરા વિસ્તારમાં ધાર્મિક માહોલ છવાયો હતો અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા અકીદત અને ઉત્સાહ સાથે પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સ્થળોએ સુંદર રોશની અને શણગાર કરવામાં આવતા સમગ્ર વિસ્તાર ઝગમગી ઉઠ્યો હતો.
વિડીયો જોવા આ લિંક પર ક્લિક કરો..
https://www.instagram.com/reel/DcgVDkkMyYY/?igsi=ZGNzbDF4M2s5ZDkz
નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com