Geo Gujarat News

વાગરા: ECOFINE કંપની બહાર કલરયુક્ત પાણીના પૂર, ગેટ પર મોટર મૂકીને મોટું કૌભાંડ છુપાવવાનો ખેલ?

વાગરા તાલુકાની સાયખા GIDC જાણે પ્રદૂષણ ફેલાવતા બેફામ બનેલા ઉદ્યોગકારો માટે મોકળું મેદાન બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. બે દિવસ પહેલાં જ UC COLOURCHEM કંપનીની જોહુકમી સામે આવી હતી, ત્યાં હવે રોડની બિલકુલ અડીને આવેલી ECOFINE COLOURCHEM PVT LTD કંપનીની ગંભીર બેદરકારી અને જોખમી કૃત્ય સામે આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ કંપની દ્વારા જાહેરમાં નિયમોના લીરેલીરા ઉડાડીને કલરયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.
કંપનીની બહાર આવેલા વરસાદી કાંસમાં એકદમ ઘાટા રંગનું રહસ્યમય પ્રવાહી ભરાયેલું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. આ દ્રશ્યો જોઈને કોઈ પણ કહી શકે કે ઉદ્યોગકારોને કાયદા કે વહીવટીતંત્રનો કોઈ ડર જ રહ્યો નથી. એટલું જ નહીં, આ પ્રવાહીને સગેવગે કરવા કે અન્યત્ર ધકેલવા માટે કંપનીના ગેટની બિલકુલ બહાર એક પંપિંગ મોટર પણ ગોઠવવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જે કંપનીની મેલી મુરાદ અને ગુનાહિત માનસિકતા છતી કરે છે.હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, વરસાદી કાંસમાં વહાવી દેવાયેલું આ ઘાટા રંગનું પ્રવાહી માત્ર કલરયુક્ત પાણી છે કે પછી પર્યાવરણ અને માનવજીવન માટે અત્યંત ઘાતક એવું જોખમી કેમિકલ? આ સવાલ હાલ વાગરા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આવા ઝેરી કેમિકલના કારણે ભૂગર્ભ જળ અને આસપાસની જમીનને જે નુકસાન થઈ રહ્યું છે તેનો જવાબદાર કોણ? સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓમાં આ ઘટનાને પગલે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને તટસ્થ તપાસની માંગ તેજ બની છે. આ સમગ્ર કૌભાંડ પાછળનું સાચું સત્ય શું છે, તે તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને આકસ્મિક તપાસ કરે તો જ બહાર આવી શકે તેમ છે. હવે જોવાનું એ રહે છે કે GPCB આ બેફામ બનેલી કંપનીઓ સામે લાલ આંખ કરીને કડક કાયદાકીય પાઠ ભણાવે છે કે પછી હંમેશાની જેમ આંખ આડા કાન કરીને પ્રદૂષણ માફિયાઓને છાવરવાનું જ કામ કરે છે?

આ પણ વાંચો: UC Colours બહાર કલરયુક્ત પાણી! સત્ય શું? રંગીન પાણીથી ચકચાર, તપાસની માંગ તેજ!

વાગરા: સાયખા GIDCમાં ફરી પ્રદૂષણની શંકા!UC Colours કંપની બહાર કલરયુક્ત પાણીના તળાવો! હવે GPCB સત્ય બહાર લાવશે?

વાગરા: સાયખાની IDCM અને KASTURI AROMATICS પર ગંભીર સવાલો! કાળા ધુમાડાથી ગૂંગળાયું આકાશ, GPCB હવે શું કાર્યવાહી કરશે?

વાગરા: વિછિયાદ ગામના તળાવમાં હજારો માછલાંના મોત છતાં બે દિવસ સુધી અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં, ગ્રામજનોમાં ભારે આક્રોશ!

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!