Skip to main content

Geo Gujarat News

વાગરા: સાયખા કેમિકલ ઝોનમાં વધુ એક શ્રમિકનો ભોગ! મિનલ સ્પેશ્યાલીસ્ટ કંપનીના ચોથા માળેથી પટકાતા ફિટરનું મોત, સુરક્ષા વ્યવસ્થાઓ સામે ગંભીર સવાલો..

જૂન મહિનામાં નિકશન ફાર્માસ્યુટિકલ અને હવે મીનલ સ્પેશ્યાલિસ્ટ…સાયખામાં શ્રમિકોના મોતનો સિલસિલો આખરે ક્યારે અટકશે? વાગરા તાલુકાના સાયખા કેમિકલ ઝોનમાં ફરી એકવાર ઔદ્યોગિક સુરક્ષા વ્યવસ્થાઓ ચર્ચાના કેન્દ્રમાં આવી છે. મિનલ સ્પેશ્યાલીસ્ટ કંપનીમાં ફિટર તરીકે ફરજ બજાવતા 22 વર્ષીય શ્રમિકનું કામ દરમિયાન ચોથા માળેથી નીચે પટકાતા સારવાર દરમિયાન મોત નીપજતાં સમગ્ર શ્રમિક વર્ગમાં શોક સાથે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ દુર્ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સલામતીને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. મળતી માહિતી મુજબ મૂળ બિહાર રાજ્યના અને હાલ સાયખા GIDC ખાતે રહેતા ગોવિંદકુમાર અમિકા રાય જે મિનલ સ્પેશ્યાલીસ્ટ નામની કંપનીમાં ફિટર તરીકે કામ કરતા હતા. ગત 5 ઓગસ્ટના રોજ તેઓ એસ.એલ. પ્લાન્ટના ચોથા માળે અન્ય મજૂરો સાથે લોખંડની કોલમની પાઈપના બોલ્ટ ફિટ કરવાનું કામ કરી રહ્યા હતા. સાંજે આશરે 6:30 વાગ્યે અચાનક તેમનો પગ લપસી જતાં તેઓ ચોથા માળેથી નીચે પટકાયા હતા. અકસ્માતમાં ગોવિંદકુમારને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને પ્રથમ વાગરા સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી, ત્યાર બાદ હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ડૉક્ટરોના તમામ પ્રયાસો છતાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
કેટલા શ્રમિકોના મોત પછી જાગશે તંત્ર? સાયખાની વધુ એક દુર્ઘટનાએ ઉઠાવ્યા સવાલો! બનાવ અંગે સાયખાની ફાઈન્ટ બેલ્ટ કંપનીમાં કામ કરતા સુનિલકુમાર અમિકા રાયે વાગરા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટનાના તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે પંથકમાં એવી ચર્ચાઓ તેજ બની છે કે, કંપનીમાં શ્રમિકો પાસેથી પૂરતા સુરક્ષા ઉપકરણો અને જરૂરી સલામતીના ધોરણો વિના કામ લેવાતું હોવાની ફરિયાદો અગાઉથી પણ ઉઠતી રહી છે. જોકે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. એક યુવાન શ્રમિકના જીવલેણ અકસ્માત બાદ હવે ફાયર એન્ડ સેફ્ટી વિભાગ, શ્રમ વિભાગ અને સંબંધિત સત્તાધિકારીઓ કંપનીમાં સલામતીના નિયમોનું કડક નિરીક્ષણ કરે અને જો કોઈ બેદરકારી સામે આવે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ શ્રમિક વર્ગ અને સ્થાનિકોમાંથી ઉઠી રહી છે. કારણ કે ઔદ્યોગિક વિકાસ ત્યારે જ અર્થપૂર્ણ બની શકે જ્યારે શ્રમિકનો જીવ અને સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા બને.
કંપનીમાં જ શ્રમિકોનું રહેઠાણ! સાયખાની ઘટના બાદ ઊભા થયા ગંભીર સવાલો, જવાબદાર કોણ? સાયખા કેમિકલ ઝોનની મીનલ સ્પેશ્યાલિસ્ટ કંપનીમાં કામ દરમિયાન યુવાન શ્રમિકના મોતની ઘટના બાદ હવે માત્ર અકસ્માત જ નહીં, પરંતુ કંપની પરિસરમાં જ શ્રમિકોને રાખવાની પ્રથાને લઈને પણ અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પોલીસ ચોપડે નોંધાયેલી માહિતી મુજબ મૃતક શ્રમિક કંપનીમાં જ રહેતો હતો. અને ત્યાં જ નોકરી કરતો હતો. જો આ હકીકત છે, તો સંબંધિત તંત્ર માટે આ મુદ્દો ગંભીરતાથી તપાસવાનો બની જાય છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે કેમિકલ ઉદ્યોગ જેવી સંવેદનશીલ જગ્યાએ શ્રમિકોનું રહેઠાણ રાખવાની મંજૂરી કયા નિયમો હેઠળ આપવામાં આવે છે? શું આવા રહેઠાણ માટે જરૂરી કાનૂની મંજૂરી, સલામતીના ધોરણો અને આપત્તિ વ્યવસ્થાપનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં? આ પ્રશ્નોના જવાબ મળવા જરૂરી છે. કેમિકલ કંપનીઓમાં આગ, ગેસ લીકેજ, વિસ્ફોટ અથવા અન્ય ઔદ્યોગિક દુર્ઘટનાઓનું જોખમ હંમેશા રહેતું હોય છે. આવી સ્થિતિમાં જો શ્રમિકો કંપની પરિસરમાં જ રહેતા હોય, તો એક જ ઘટનામાં મોટી જાનહાનિ સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં. ત્યારે આવી પરિસ્થિતિ માટે જવાબદાર કોણ રહેશે? કંપની, સંબંધિત સરકારી વિભાગ કે પછી દેખરેખ રાખતી એજન્સીઓ?
આગ કે બ્લાસ્ટ થાય તો જવાબદાર કોણ? કંપનીમાં જ શ્રમિકોનું રહેઠાણ ચર્ચાના કેન્દ્રમાં! આ ઘટના બાદ ફેક્ટરી ઇન્સ્પેક્ટર, ફાયર એન્ડ સેફ્ટી વિભાગ, GIDC સત્તાધિકારીઓ અને શ્રમ વિભાગે તાત્કાલિક તપાસ કરવી જોઈએ કે કંપનીમાં શ્રમિકોનું રહેઠાણ કાયદેસર છે કે નહીં? અને જો કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. એક શ્રમિકનો જીવ ગયો છે. હવે જરૂર છે કે આ ઘટનાને માત્ર અકસ્માત માનીને ફાઈલોમાં દબાવી દેવાના બદલે તેના મૂળ કારણો સુધી પહોંચવામાં આવે. જો કંપની પરિસરમાં શ્રમિકોને રાખવાની પ્રથા નિયમો વિરુદ્ધ હોય અથવા સુરક્ષાના ધોરણોને અવગણીને ચાલતી હોય, તો આવનારા સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જ સંબંધિત તંત્રએ જાગવું પડશે. ઉપરોક્ત પ્રશ્નો પોલીસ ચોપડે નોંધાયેલી માહિતીના આધારે જાહેર હિતમાં ઉઠાવવામાં આવ્યા છે. કંપની અથવા સંબંધિત સત્તાધિકારીઓની જવાબદારી અંગે કોઈ અંતિમ નિષ્કર્ષ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

વિ.કે. ફાર્માના બ્લાસ્ટમાંથી પણ બોધપાઠ નહીં? કંપનીઓમાં જ શ્રમિકોનું રહેઠાણ કેટલું સલામત? અત્રે નોંધનીય છે કે નવેમ્બર 2025માં સાયખાની વિ.કે. ફાર્મા કંપનીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં ત્રણ કામદારોના કરુણ મોત થયા હતા. આ ઘટના બાદ ઔદ્યોગિક સલામતી અને કેમિકલ કંપનીઓમાં જોખમ ઘટાડવા માટે કડક પગલાં લેવાશે તેવી અપેક્ષા હતી. તેમ છતાં જો આજે પણ કેટલીક કંપનીઓમાં શ્રમિકોને કંપની પરિસરમાં જ રહેવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય, તો આ બાબત ગંભીરતાથી તપાસવાનો વિષય બને છે. કેમિકલ ઉદ્યોગોમાં આગ, વિસ્ફોટ, ગેસ લીકેજ જેવી દુર્ઘટનાઓનું જોખમ હંમેશા રહેલું હોય છે. આવી સ્થિતિમાં કામદારોનું રહેઠાણ પણ એ જ પરિસરમાં હોય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે જાનહાનિનું જોખમ અનેકગણું વધી શકે છે. તેથી પ્રશ્ન એ નથી કે માત્ર રહેઠાણ છે કે નહીં, પરંતુ શું તે કાયદેસર છે, શું તે સલામતીના તમામ ધોરણોને અનુરૂપ છે અને શું સંબંધિત વિભાગોની મંજૂરી સાથે ચાલે છે? હવે ફાયર એન્ડ સેફ્ટી વિભાગ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, શ્રમ વિભાગ અને GIDC સત્તાધિકારીઓએ સમગ્ર મામલે તથ્યાધારિત તપાસ કરવી જરૂરી બની છે. જો કંપની પરિસરમાં રહેઠાણ અંગે કોઈ નિયમોનું ઉલ્લંઘન થતું હોય, તો તેના માટે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કારણ કે એક પછી એક બનતી ઔદ્યોગિક દુર્ઘટનાઓ માત્ર આંકડા બનીને ન રહી જાય, પરંતુ તેમાંથી બોધપાઠ લેવાય અને શ્રમિકોના જીવની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે, તેવી અપેક્ષા શ્રમિકો અને સમાજ બંને રાખી રહ્યા છે.
અનેક શ્રમિકોના જીવ ગયા પછી તંત્ર જાગશે? સાયખાની વધુ એક દુર્ઘટનાએ સલામતી વ્યવસ્થા સામે ઊભા કર્યા કડવા સવાલો! સાયખા કેમિકલ ઝોનમાં વધુ એક શ્રમિકના મોતે અનેક સવાલો ઊભા કર્યા છે. ચોથા માળેથી સીધા નીચે પટકાઈ જતાં યુવાન શ્રમિકે જીવ ગુમાવ્યો. આ ઘટના માત્ર એક અકસ્માત છે કે પછી સલામતીના ધોરણોમાં ક્યાંક ગંભીર ખામી રહી ગઈ હતી? તેનો જવાબ હવે નિષ્પક્ષ તપાસ જ આપી શકે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું શ્રમિકે સેફ્ટી બેલ્ટ પહેરી હતી? શું તેને હેલ્મેટ, લાઇફલાઇન અને ઊંચાઈ પર કામ કરવા માટે જરૂરી તમામ સુરક્ષા સાધનો આપવામાં આવ્યા હતા? શું કામ શરૂ કરતાં પહેલાં સલામતીની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું? આ તમામ મુદ્દાઓની તટસ્થ તપાસ થવી જરૂરી છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે થોડા મહિનાઓ પહેલાંજ એટલે કે જૂન 2026માં, સાયખાની નિકશન ફાર્માસ્યુટિકલ કંપનીમાં પણ ઊંચાઈ પરથી પટકાતા એક શ્રમિકનું મોત થયું હતું. આવી સતત બનતી દુર્ઘટનાઓને જોતા શ્રમિકોની સલામતી અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. જો દરેક ઘટના પછી માત્ર કાગળ પરની કાર્યવાહી થાય અને મૂળ કારણો સુધી પહોંચવામાં ન આવે, તો આવી દુર્ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી કોણ આપશે?

કાગળ પરની સેફ્ટી કે શ્રમિકોના જીવ સાથે રમત? સાયખાની ઘટનાએ ખોલ્યા અનેક સવાલો! શ્રમિક કોઈ મશીનનો એક ભાગ નથી. તે પોતાના પરિવારનું સપનું, આશા અને આધાર છે. રોજીરોટી કમાવવા નીકળેલો માણસ જો સાંજે પોતાના પરિવાર પાસે જીવતો પરત ન ફરે, તો તે માત્ર એક પરિવારની નહીં પરંતુ સમગ્ર વ્યવસ્થાની નિષ્ફળતા અંગે પ્રશ્નો ઉભા કરે છે. હવે સમય આવી ગયો છે કે સંબંધિત વિભાગો માત્ર ઔપચારિક તપાસ સુધી સીમિત ન રહે. ફેક્ટરી ઇન્સ્પેક્ટર, ફાયર એન્ડ સેફ્ટી વિભાગ, શ્રમ વિભાગ અને અન્ય જવાબદાર સત્તાધિકારીઓએ ઘટનાના દરેક પાસાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવી જોઈએ. જો તપાસમાં કોઈપણ પક્ષ તરફથી સલામતીના નિયમોની અવગણના અથવા બેદરકારી સામે આવે, તો કાયદા મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ. શ્રમિકોના જીવની કિંમત કોઈ વળતરથી માપી શકાય નહીં. દરેક દુર્ઘટના પછી માત્ર શોક વ્યક્ત કરવાને બદલે, એવી વ્યવસ્થા ઊભી થવી જોઈએ કે ફરી કોઈ પરિવાર પોતાના સ્વજનને આવી રીતે ન ગુમાવે. સલામતી કાગળ પર નહીં, કાર્યસ્થળ પર દેખાવઇ જોઈએ, કારણ કે એક જીવ ગુમાવ્યા પછી કોઈ સુધારો મોડો સાબિત થાય છે.
અનેક ફરિયાદો, અહેવાલો અને ચેતવણીઓ છતાં કાર્યવાહી ક્યાં? બેફામ ઉદ્યોગકારો સામે સુતેલું તંત્ર ક્યારે જાગશે? વાગરા તાલુકામાં આવેલ દહેજ, વિલાયત, પખાજણ તેમજ સાયખા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં સલામતીના મુદ્દે અનેક વખત મીડિયા દ્વારા ચેતવણીરૂપ અહેવાલો પ્રકાશિત થયા છે. જાગૃત નાગરિકો દ્વારા સ્થાનિક કક્ષાથી લઈને જિલ્લા તંત્ર, રાજ્ય સરકાર અને છેક CMO તથા PMO સુધી રજૂઆતો કરવામાં આવી હોવાના દાવા પણ સામે આવ્યા છે. તેમ છતાં જો વારંવાર સમાન પ્રકારની દુર્ઘટનાઓ બનતી રહે, તો સ્વાભાવિક રીતે પ્રશ્ન ઊભો થાય છે કે આ રજૂઆતોનું શું થયું? શું તે માત્ર ફાઇલોમાં જ સીમિત રહી ગઈ? જ્યારે એક પછી એક શ્રમિકો જીવ ગુમાવે, ત્યારે માત્ર દુઃખ વ્યક્ત કરવાથી કે ઔપચારિક તપાસની જાહેરાતોથી પ્રશ્નોનો અંત આવતો નથી. જરૂર છે નિયમોના કડક અમલની, નિયમિત નિરીક્ષણની અને જ્યાં બેદરકારી સાબિત થાય ત્યાં નિર્ભય કાર્યવાહી કરવાની. કાયદાનો ભય ત્યારે જ ઊભો થાય જ્યારે તેનો અમલ પણ એટલો જ મક્કમ હોય. આખરે સૌથી મોટો સવાલ એ જ છે કે, બેફામ ઉદ્યોગકારો ક્યારે સુધરશે અને સતત ચેતવણીઓ છતાં સુતેલું તંત્ર ક્યારે જાગશે? જો આજે પણ અસરકારક પગલાં નહીં લેવાય, તો આવતીકાલે બીજી કોઈ દુર્ઘટના બાદ ફરી એ જ પ્રશ્નો પૂછવા પડશે. શ્રમિકોના જીવની સુરક્ષા માત્ર કાયદાકીય ફરજ નથી, પરંતુ માનવતાની પણ સૌથી મોટી જવાબદારી છે.

હવે માત્ર તપાસ નહીં, કડક અમલવારીનો સમય આવી ગયો છે: દરેક ઔદ્યોગિક દુર્ઘટના બાદ પંચનામું, તપાસ અને વળતરની જાહેરાતો થાય છે, પરંતુ જો એ જ પ્રકારની ઘટનાઓ ફરી ફરી બની રહી હોય તો ક્યાંક ને ક્યાંક વ્યવસ્થામાં ખામી હોવાનો પ્રશ્ન ઊભો થાય છે. હવે સંબંધિત તંત્રએ માત્ર કાગળ પરની કાર્યવાહીથી આગળ વધીને ઊંચાઈ પર થતા કામો, સેફ્ટી બેલ્ટ અને અન્ય સુરક્ષા સાધનોના ફરજિયાત ઉપયોગ, શ્રમિકોને આપવામાં આવતી તાલીમ, કંપની પરિસરમાં રહેઠાણની કાયદેસરતા તેમજ ફાયર અને ઔદ્યોગિક સલામતીના નિયમોના પાલનની નિયમિત અને અચાનક તપાસ વધુ અસરકારક રીતે કરવી જરૂરી છે. જ્યાં નિયમોનું ઉલ્લંઘન સામે આવે ત્યાં કોઈપણ પ્રકારના ભેદભાવ વિના કાયદા મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ. ઔદ્યોગિક વિકાસ ત્યારે જ સાચા અર્થમાં વિકાસ કહેવાય જ્યારે દરેક શ્રમિક દિવસના અંતે સુરક્ષિત રીતે પોતાના પરિવાર સુધી પહોંચી શકે. શ્રમિકનો જીવ માત્ર એક આંકડો નથી, પરંતુ એક પરિવારનું ભવિષ્ય છે. અને તેની સુરક્ષા દરેક કંપની તથા દરેક જવાબદાર તંત્રની પ્રથમ ફરજ છે.

આ પણ વાંચો: સાયખાની નીક્સન ફાર્માસ્યુટીકલમાં જીવલેણ બેદરકારી? લિફ્ટ શાફ્ટમાં પટકાતા કામદારનું મોત નીપજયું હતું..

વાગરા: સાયખા GIDCમાં સુરક્ષાની ગંભીર બેદરકારીનો ભોગ બન્યો શ્રમિક? નીક્સન ફાર્માસ્યુટીકલમાં લિફ્ટમાંથી પટકાતા મધ્યપ્રદેશના કામદારનું કરુણ મોત, જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉગ્ર બની!

 

આ પણ વાંચો: વિ.કે ફાર્મામાં મધરાતે ધડાકો થયો ને આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો, ત્રણના મોત થયા હતા..

વાગરા: સાયખા GIDC બોઇલર બ્લાસ્ટમાં ત્રીજો મૃતદેહ મળતાં મૃત્યુઆંક ૩, સુરક્ષા સામે અનેક સવાલો યથાવત

 

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!